રાજ્યમાંથી વધુ એક સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના મરોલી વિસ્તારમાં આજે સામુહિક આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતાં. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં આવેલી એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં બીજા માળે સસાંગિયા પરિવાર રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને પુત્ર હતાં. 50 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પત્ની વનિતાબેન હાઉસવાઈફ હતાં. ત્રીસ વર્ષીય પુત્ર હર્ષ પણ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. જોકે દિવાળી બાદ હીરામાં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી. હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું. પરિવારે થોડા સમય પહેલાં ફ્લેટ લીધો હતો. જેના ચાર હપ્તા ચઢી ગયા હતાં. આ સિવાય રોજગાર છીનવાઈ જવાના કારણે અન્ય જગ્યાએથી પણ પૈસા ઉધાર લીધા હતાં. આ તમામ આર્થિક સંકડામણમાં ફસાઈ જવાના કારણે માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું હતું.
આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યાં તપાસ દરમિયાન તેમને સુસાઇડ નોટ મળી હતી. આ સુસાઇડ નોટમાં પરિવારને પરેશાન કરતાં અનેક લોકોના નામ પણ લખવામાં આવ્યા છે. આ સિવાય પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી છે. સુસાઇડ નોટ તેમજ આસપાસના લોકો સાથે પૂછપરછ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.