આંગળીથી કપચી ઉખડી જાય છે, એક વરસાદમાં રોડ ધોવાઇ જવાની ભીતિ
જયાંથી રોજના બે હજારથી વધુ વાહન પસાર થાય છે ત્યાં અપૂરતો ડામર અને ઓછી જાડાઇ હોવાની રાવ
જોરાવરનગરથી વઢવાણને જોડતો મેઇન રોડ જે ઘરશાળાથી વઢવાણ જાય છે, તે ઘણા સમયથી બિસમાર હોવાથી તેના નવિનીકરણ માટે અનેક રજૂઆતો કરાઇ હતી. ઘણા વર્ષો બાદ આ રસ્તો બનાવવાનું શરૂૂ કરાયું છે. ત્યારે સુરેન્દ્રનગર જોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતા એકમાત્ર મુખ્ય રોડની ગુણવત્તામાં પોલંપોલ હોવાના આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. વળી રોડમાં અપૂરતો ડામર અને ઓછી જાડાઇનો બનતો હોવાની રાવ ઊઠતા મનપાના એન્જિનિયરો સ્થળ પર હાજર રહીને સારી ગુણવત્તા અંગે ધ્યાન આપે તેવી માગ ઊઠી છે. ઘરશાળા અને વઢવાણ વચ્ચે રસ્તો મગરપીઠ સમાન બનતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હતા. અંદાજે 1.5 કિમીનો રસ્તો વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ધંધાર્થીઓ માટે મુખ્ય રોડ હોવાથી આ રસ્તા પર દૈનિક 2 હજારથી વધુ વાહનની અવરજવર રહે છે. 24 કલાક અવરજવરથી ભરેલો રોડ હાલ નવો બની રહ્યો છે ત્યારે કામ શરૂૂ કરાતા જ નબળી ગુણવત્તાનું હોવાનું ધ્યાને આવતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો.
આ અંગે ઘરશાળા પાસે રહેતા નારાયણભાઇ પરમાર, નરેશભાઇ ચાવડા અને અર્જુનભાઇ સહિતના નાગરિકોએ આક્ષેપ કર્યા હતા કે ડામર રોડ બને છે તેમાં ઓછો ડામર હોવાના લીધે કપચી આંગળીથી ઊખડી જાય છે. આથી એક જ વરસાદમાં રસ્તો ધોવાઇ જશે તેવું લાગે છે. ઉપરાંત કેટલીક જગ્યાએ રોડ માત્ર અડધો ઈંચ જાડાઇનો બનાવાય છે. આથી મનપાના અધિકારીઓ હાજર રહીને સારી ગુણવત્તાનો રસ્તો બનાવવા ધ્યાન આપે તેવી લોકમાગ છે.
