ભાજપ સંગઠનના મામલે બે શક્તિશાળી નેતાઓ આમને-સામને

33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોની નિમણૂકો ટલ્લે ચડી ગઇ, હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના બહાને મુદત પડી અકે જૂથે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ જ બાકીની…

33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોની નિમણૂકો ટલ્લે ચડી ગઇ, હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના બહાને મુદત પડી

અકે જૂથે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ જ બાકીની સંગઠન રચનાનો ધોકો પછાડતા કોકડું ગુંચવાયાની જોરદાર ચર્ચા

ગુજરાતમાં ભાજપના તાલુકા અને વોર્ડ પ્રમુખોની ચૂટણી અને નિમણુકની પ્રક્રિયા વિના વિદને પૂર્ણ થયા બાદ 33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોની નિમણુકો માટે તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોવા છતા પ્રમુખોના નામો જાહેર કરવામા થઇ રહેલા વિલંબ વચ્ચે હવે એવુ જણાવાઇ રહ્યુ છે કે, દિલ્હીની ચૂંટણી સુધી જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિમણુકોને બ્રેક મારી દેવામા આવી છે.

જો કે, ભાજપના આંતરિક સુત્રોનુ કહેવુ છે કે, ગુજરાતમાં જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિમણુકો અટકાવવા માટે દિલ્હીની ચૂંટણી તો માત્ર બહાનુ છે. હકિકતમાં ભાજપની ટોચની નેતાગીરીમાં આ મામલે બે સામસામે આવી ગયા છે. એક શકિતશાળી નેતાનુ જૂથ પ્રથમ પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણુક કરાયા બાદ જ તેની નવી ટીમ અને નવા જિલ્લા-મહાનગરોના પ્રમુખોની નિમણુક નવા પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ થાય તેવુ ઇચ્છી રહ્યુ છે.
જયારે ભાજપના બીજા શકિતશાળી જૂથે નવા પ્રદેશ પ્રમુખની નિમણુક પહેલા જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિમણુક કરવાનો આગ્રહ રાખતા કોકડુ ગુંચવાયુ છે.

ભાજપે સંગઠનની ચૂંટણી માટે જાહેર કરેલા કાર્યક્રમમાં પણ 15 જાન્યુઆરી સુધીમાં શહેર-જિલ્લા-તાલુકા અને વોર્ડપ્રમુખોની અને કમુરતા બાદ 20 જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુક કરી દેવાનુ નક્કી કરાયુ હતુ પરંતુ હવે આ મામલે ભાજપના બે શકિતશાળી જૂથોએ પોતપોતાના વિભિજન મંતવ્યો રજુ કરતા દિલ્હી ભાજપના સંગઠનની ચૂંટણીને હાલ બ્રેક મારી દેવામા આવી હોવાનુ માનવામા આવે છે.

હાલ 33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોની નિમણુકોનો મામલો દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ પેન્ડિંગ છે. 15 દિવસ પહેલા જિલ્લા અને મહાનગરકક્ષાએ પ્રક્રિયા પૂર્ણ કરીને પ્રદેશ ભાજપમા અને ત્યાથી દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ મામલો પહોંચાડી દેવાયો છે. ત્યાર બાદ દિલ્હીમાં નવી નિમણુકોના પ્રશ્ર્ને ટોચના નેતાઓની એક બેઠક પણ થઇ ચૂકી છે. પરંતુ આજ સુધી નવા પ્રમુખોની નામની જાહેરાત નહીં થતા દિલ્હીકક્ષાએ ગુજરાત ભાજપના બે શકિતશાળી નેતાઓ વચ્ચે નવા પ્રમુખોની નિમણુકના મામલે મતભેદો સર્જાયા હોવાનુ જણાવાઇ રહ્યુ છે.

ભાજપના વિશ્ર્વાસપાત્ર સુત્રોના કહેવા મુજબ હવે જિલ્લા-મહાનગરોકક્ષાની સંગઠનની નિમણુકોમાં પણ વડાપ્રધાન મોદી હસ્તક્ષેપ કરે ત્યારબાદ જ આખરી નિર્ણય થાય તેવી શકયતા છે.

છેલ્લે ગત અઠવાડીયે કેન્દ્રીય ગૃૃહમંત્રી અમિતશાહ ગુજરાતની ત્રણ દિવસજી મુલાકાતે આવ્યા ત્યારે જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિમણુકો થઇ જવાની આશા રખાતી હતી પરંતુ ત્યારે પણ કોઇ નિર્ણય લેવાયો નથી. અને હવે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી ગમ્મે ત્યારે જાહેર થવાની શકયતા છે. તેવા સમયે સંગઠનની નવી નિમણુકો જાહેર કરવી કે કેમ તે અંગે પણ હાઇકમાન્ડ મુંજવણમાં મુકાયુ હોવાનુ મનાય છે.

પ્રદેશ પ્રમુખપદ સૌરાષ્ટ્રને મળશે કે ફરી ઠેંગો??

વિજયભાઇ રૂપાણી સરકારની વિદાય બાદ ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનુ મહત્વ ઘટી ગયુ છે. અને મુખ્યમંત્રી તથા મંત્રી મંડળના ટોપફાઇવ પ્રધાનોમાં પણ ગુજરાતના નેતાઓનો દબદબો રહ્યો છે. જયારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે. હવે આગામી ટર્મમાં સૌરાષ્ટ્રના કોઇ નેતાને ભાજપના પ્રદેશપ્રમુખ બનાવવામાં આવે તેવી શકયતા છે. અગાઉ વિજયભાઇ રૂપાણી, આર.સી.ફળદુ, જીતુ વાધાણી સહિતના નેતાઓ પ્રદેશ પ્રમુખ રહી ચૂકયા છે. ત્યારે આ વખતે સૌરાષ્ટ્રમાંથી ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડ, ડો. ભરત બોધરા સહિતના નામો ચર્ચામાં છે. જો કે, હજુ જો અને તોની સ્થિતી છેે ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રને પ્રતિનિધીત્વ મળશે કે, ફરી ઠેંગો બતાવશે તે તો સમય જ કહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *