રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં 17 જેટલા બોગસ દસ્તાવેજ થયા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ કલેક્ટર દ્વારા પણ તપાસ ચાલી રહી છે અને પ્રાંત અધિકારીને સમગ્ર ઘટનાની તપાસ પણ સોંપવામાં આવી છે. ત્યારે જીલ્લા કલેકટર પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે આ દસ્તાવેજ કોભાડ પર મારી પણ નજર છે. અને કર્મચારીઓને નહીં પણ મોટા માથા સુધી પહોંચવા માટે હાલ તપાસ ચાલી રહી છે. અને આગામી અઠવાડિયાની અંદર મુખ્ય સૂત્રધાર સામે કડક કાર્યવાહી થાય તે રીતે તપાસ ચાલી રહી છે.મારી પાસે પણ કેટલી ગેરનીતિની ફરિયાદો આવી છે તેમાં પણ આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર દસ્તાવેજ કૌભાંડ બહાર આવ્યા બાદ તાત્કાલિક સબ રજીસ્ટાર કચેરીઓમાં સીસીટીવી નાખવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. સાથે જ કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓની પણ દર છ મહિને બદલી કરવા માટે એજન્સીને સૂચના પણ આપી દેવામાં આવી છે. તેમજ સબ રજીસ્ટાર કચેરીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે કોન્ટ્રાક્ટર કે અન્ય કર્મચારીઓ પર સખત નજર રાખવી.
કલેકટર પ્રભાવ જોશી દસ્તાવેજ કૌભાંડમાં રૈયા સર્વે નંબર અને મવડીની સર્વે નંબરની બે કેસમાં શંકાસ્પદ જણાતા તાત્કાલિક કલેકટર દ્વારા સુવોમોટો દાખલ કરવામાં આવી છેે અને આગામી દિવસોમાં કલેકટર દ્વારા નોંધ પણ રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.