ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી ફોટા વાયરલ કરનારની શોધખોળ
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર એક સોસાયટીમાં રહેતી અને અભ્યાસ કરતી મુળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરની વતની વિદ્યાર્થીનીના બિભસ્ત ફોટા ઈન્સ્ટાગ્રામમાં વાયરલ કરનાર સામે સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ મુળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મિઠાપુરની વતની વિદ્યાર્થીનીએ નોંધાવેલ ફરિયાદમાં દેવભૂમિ દ્વારકાના સુરજ કરાડી ઓખા મંડળના કૃષ્ણનગરમાં રહેતા કેર મેહુલ રણમલભાનું નામ આપ્યું છે. ફરિયાદમાં છાત્રાએ જણાવ્યા મુજબ આ શખ્સે ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને વિદ્યાર્થીનીના ઈન્સ્ટાગ્રામ આઈડીમાંથી ફોટા મેળવી તેને મોર્ફ કરી અસ્લિલ ફોટા બનાવી સમાજમાં બદનામ કરવાના ઈરાદેથી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી તેને વાયરલ કર્યા હતાં.
ભોગ બનનાર છાત્રાને મેસેજ પણ કરી આ ફોટા તેને મોકલ્યા હતાં જેથી છાત્રાએ આ બાબતે રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરતા સાઈબર ક્રાઈમ પોલીસે આ ઈન્સ્ટાગ્રામ આઈડી ધારક સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. રાજકોટમાં રહેતી મીઠાપુરની વતની છાત્રા રાજકોટમાં અભ્યાસ કરતી હોય તેમજ ફોટો વાયરલ કરનાર શખ્સ પણ તેના ગામ પાસેના વિસ્તારનો હોય જેથી પરિચયમાં હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.