જૂનાગઢમાં મકાન-પ્લોટ વેચવાના નામે 2.43 કરોડની ઠગાઇ

જૂનાગઢ શહેરમાં દિવસેને દિવસે નવા બાંધકામો અને પ્લોટિંગનું વેચાણ થઈ રહ્યું છે. મકાન કે પ્લોટ વેચવા માટે બિલ્ડરો અનેક જાહેરાતો અને પ્રોજેક્ટના પેમ્પલેટ બહાર પાડી…


જૂનાગઢ શહેરમાં દિવસેને દિવસે નવા બાંધકામો અને પ્લોટિંગનું વેચાણ થઈ રહ્યું છે. મકાન કે પ્લોટ વેચવા માટે બિલ્ડરો અનેક જાહેરાતો અને પ્રોજેક્ટના પેમ્પલેટ બહાર પાડી લોકોને આકર્ષે છે. ત્યારે જૂનાગઢમાં લોભામણી જાહેરાત આપી મકાન ખરીદનાર લોકો સાથે બિલ્ડરે 2.43 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. લોકોને મકાન કે પ્લોટ ન આપી રફુચક્કર થઈ ગયા હતા. જેથી ફરિયાદ નોંધાઈ છે.
જૂનાગઢમાં ચોબારી રોડ પર પૂજન ઇન્ફ્રાસ્ટ્રકચર નામની બાંધકામ પેઢી ચલાવતા બિલ્ડર અને તેની સાથે રહેલા યુવકે મુન લાઈટ પ્રોજેકટના પેમ્પલેટ છપાવ્યાં હતા. જેમાં બાંધકામ સાઈટના ફોટા અને પેઢીને મળેલા એવોર્ડની બાબતો દર્શાવી મકાન બનાવી આપવાનું જણાવી મહિલાને વિશ્વાસમાં લીધા હતા. ફરિયાદી મહિલાએ આ પ્રોજેક્ટમાં દર્શાવેલા બે બ્લોક નોંધાવી 35 લાખની રકમ આપી હતી. આ લોભામણી જાહેરાત જોઈ મહિલા સહિત અન્ય લોકોએ પણ પ્લોટનું બુકિંગ કરાવ્યું હતું.


અલગ અલગ વ્યક્તિઓ પાસેથી રૂૂપિયા લીધા બાદ બિલ્ડર અને તેનો સાગરિત ઓફિસને તાળા લગાવી મોબાઈલ બધં કરી નાસી જતા 2.43 કરોડની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કરોડોની રકમની છેતરપિંડીના બનાવમાં હજુ પણ આંકડો વધે તેવી ભીતિ સેવાઈ રહી છે.
આ અંગે ફરિયાદી મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાં મુજબ ચોબારી રોડ ઉપર પૂજન ઇન્ફ્રાસ્ટ્રકચર નામની પેઢી ચલાવતા બિલ્ડર મનીષ કારીયા અને તેનો સાગરીત સંજય ભંડારી બંનેએ સાથે રહી પૂજન ઈન્ફ્રાસ્ટ્રકચર પેઢીના નામે મુન લાઈટ પ્રોજેકટ અંતર્ગત પ્લોટમાં નવું મકાન બનાવી આપવા પ્લાન બનાવ્યો હતો. બિલ્ડરે બાંધકામ સાઈટના ફોટા , બ્લોક બિલ્ડીંગ પ્લાન ઉપરાંત પેઢીને મળેલા એવોર્ડના ફોટા દર્શાવતું પેમ્પલેટ બનાવ્યું હતું. જેથી જૂનાગઢમાં મધુરમ બાયપાસ પર રહેતા રમાબેન નવનીત રાય મહેતા નામના વૃદ્ધાએ બિલ્ડરનો સંપર્ક કરતા પેમ્પલેટ દર્શાવી આલિશાન મકાન બનાવવા મહિલાને વિશ્વાસમાં લીધા હતા.


મહિલાએ બ્લોક નંબર એ 1 અને એ 2 ના પ્લોટના સોદા પેટે 35 લાખની રકમ આપી હતી. આ ઉપરાંત અન્ય વ્યકિતઓ પાસેથી પણ વિશ્વાસ કેળવી બિલ્ડર મનીષ કારીયા અને સંજય ભંડારીએ રકમ મેળવી હતી. આઠ માસ પૂર્વે થયેલા બનાવ મામલે મહિલા સહિતના અન્ય ગ્રાહકોએ પ્લોટ મામલે બિલ્ડરનો સંપર્ક કરતા ચોબારી રોડ પર આવેલા પૂજન સ્ટ્રકચરની પેઢીને બધં કરી બિલ્ડર અને તેનો સાગરીત રફુચક્કર થઈ ગયા હતા.


બે બ્લોક નોંધાવનાર મહિલા ફરિયાદ માટે આગળ આવી છે. મહિલા રમાબેન મહેતાએ બિલ્ડરનો સંપર્ક કરતા ફોન પણ બધં આવી રહ્યો છે. જેથી આલીશાન બંગલો બનાવવા લોભામણી સ્કીમ મૂકી ફરીયાદી મહિલા સહિત ગ્રાહકોના .2.43 કરોડની રકમ ઓળવી નાસી જનાર બિલ્ડર અને તેના સાગ્રિત સામે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર છેતરપિંડીના બનાવમાં હજુ પણ અનેક લોકો છેતરાયા હોવાની સંભાવના સેવાઈ રહી છે અને આંકડો વધવાની પણ ભીતિ હોવાથી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ અને બિલ્ડરની સાઇટ અને વિગત મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *