રાજકોટ શહેરમા રહેતા અને ઓફસેટનો વ્યવસાય કરતા વેપારી અને તેમના સાથી મિત્રોના 6 પરિવારને નૈનીતાલ અને હરીદ્વાર ટુરના બહાને ગઠીયાએ 4.30 લાખની રોકડ મેળવી લઇ ટીકીટ નહીં આપી છેતરપીંડી કર્યાની ફરિયાદ યુનિવર્સીટી પોલીસ મથકમા નોંધાઇ છે. આ સમગ્ર ઘટના મામલે પોલીસે 7 મહિને ગુનો નોંધ્યો હતો. હવે આરોપીની શોધખોળ પણ કરવામા આવી રહી છે.
સમગ્ર ઘટના મામલે નટરાજનગર પાસે આવેલા કૈલાશપાર્કમા રહેતા અને ઓફસેટનો વ્યવસાય કરતા હિતેન્દ્રભાઇ દેવજીભાઇ પડસુંબીયા (પટેલ) નામના 46 વર્ષના વેપારીએ રાજકોટના સંદીપ ધીરૂભાઇ મેઘાણી ઉર્ફે સંજય પટેલ વિરૂધ્ધ છેતરપીંડી કર્યાની યુનિવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.
આ સમગ્ર ઘટનામા વેપારી હિતેન્દ્રભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ મુળ મોરબીના નાની વાવડીના વતની છે. તેમજ તેઓ મોરબી ખાતે ઓફસેટ પ્રિન્ટીંગનો વ્યવસાય કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.
ગઇ તા. 15/3 ના રોજ તેમના પરિવારજનો દ્વારા નૈનીતાલ અને હરિદ્વાર ફરવા જવાનો પ્લાન નકકી કર્યો હતો. જેથી તેઓએ સંદીપભાઇ મેઘાણીનો સંપર્ક કર્યો હતો. હિતેન્દ્રભાઇએ અગાઉ સાલ 2017 મા સંદીપ મેઘાણીની ગણેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમા નેપાળનો પ્રવાસ કર્યો હતો જેથી તેઓ આ સંદીપને ઓળખે છે.
ત્યારબાદ હિતેન્દ્રભાઇ તેમના સબંધી ધર્મેશભાઇ ભીમાણી એમ બંને સંદીપને મળવા ગયા હતા અને તેમને નૈનીતાલ અને હરીદ્વાર ફરવા જવાનો પ્લાન સમજાવ્યો હતો. જેથી આ સંદીપે વ્યકિત દીઠ રૂ. 30 હજાર ભરવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ તા. 15/5 ના રોજ ફરવા જવાનુ નકકી કરવામા આવ્યુ હતુ અને સંદીપે અમદાવાદથી ફલાઇટની ટીકીટ સિડયુલ આપ્યુ હતુ જેમા રીયા હોલીડે નામની સ્લીપ તેઓને આપવામા આવી હતી. તેમજ મોબાઇલ ફોનમા બસના ફોટા અને વિગતો આપવામા આવી હતી.
ત્યારબાદ સંદીપે એક કોરો ચેક આપી તેમા ફલાઇટની ટીકીટ બુક કરાવવાનુ જણાવ્યુ હતુ ત્યારબાદ ફરીયાદી હિતેન્દ્રભાઇ એ પ0 હજાર, કિરીટભાઇ પટેલ એ રૂ. પ0 હજાર, ભરતભાઇ પટેલે 45 હજાર, ધર્મેશકુમાર ભીમાણીએ 4પ હજાર, પરેશભાઇ દુધાગરાએ 60 હજાર અને અનિલ અઘારાએ રૂ. 60 હજાર એમ કુલ મળી રૂ. 3.10 લાખ 6 પરિવારે આપ્યા હતા. ત્યારબાદ સંદીપે ફોન કરી કહયુ હતુ કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક તથા સાઇડ સીન માટે તમારે બુક કરવુ હોય તો દોઢ લાખ આપવા પડશે જેથી તમામ 6 પરિવારે ફરીથી 20 – 20 હજાર લેખે ફરી 1.20 લાખ સંદીપને આપ્યા હતા. આમ કુલ તેઓએ 4.30 લાખ સંદીપ મેઘાણીને ચુકવ્યા હતા.
સમય જતા હિતેન્દ્રભાઇએ ટીકીટ અંગે વાત કરતા તેઓએ 1ર મે ના રોજ ટીકીટ આપીશ. તેમજ અલગ અલગ બહાનાઓ કાઢી પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નાખતા હિતેન્દ્રભાઇ અને તેમના પરિવારજનો પોતાની રીતે શોધખોળ કરી હતી પરંતુ આ સંદીપ મેઘાણી પોતાનો ફોન સ્વીચ ઓફ કરી કયાંય ભાગી જતા અંતે યુનિવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.