કલ્યાણપુર નજીક બંધ ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા સગીર ચાલકનું મોત

કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતો વિશાલ કારૂૂભાઈ ધારાણી નામનો 16 વર્ષનો ગઢવી તરુણ શુક્રવારે મોડી સાંજના સમયે તેના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો.…


કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતો વિશાલ કારૂૂભાઈ ધારાણી નામનો 16 વર્ષનો ગઢવી તરુણ શુક્રવારે મોડી સાંજના સમયે તેના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો. ત્યારે કલ્યાણપુરથી આશરે 28 કિલોમીટર દૂર ધતુરીયા ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર કે આડસ અને સિગ્નલ રાખ્યા વગર પાર્ક કરીને રાખવામાં આવેલા જી.જે. 32 ટી. 9674 નંબરના એક ટ્રકની પાછળના ભાગે વિશાલનું મોટરસાયકલ અથડાતા તેને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવ અંગે મૃતક તરુણના પિતા કારૂૂભાઈ કાયાભાઈ ધારાણી (ઉ.વ. 45, રહે. નગડીયા ગામની સીમ) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે જી.જે. 32 ટી. 9674 નંબરના ટ્રક ચાલક સામે બેદરકારી દાખવવા બદલ ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગે આગળની તપાસ પી.એસ.આઈ. શુક્લા દ્વારા હાથ ધરવામાં આવી છે.


બીજા બનાવમાં છોટા ઉદેપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા મહેશભાઈ ગુલસિંગભાઈ રાઠવા નામના 25 વર્ષના આદિવાસી યુવાન છેલ્લા કેટલાક સમયથી અંગત બીમારીના કારણે ગુમસુમ રહેતા હોય, ગઈકાલે શુક્રવારે તેમણે એક આસામીની વાડીએ આવેલી ઓરડીમાં પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ખુલસિંગ સેંગલાભાઈ રાઠવાએ કલ્યાણપુર પોલીસને કરી છે.


ઢેબરના સગર્ભા મહિલાનું પ્રસુતિ બાદ મૃત્યુ
ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા દક્ષાબેન ટપુભાઈ મકવાણા નામના 23 વર્ષના કોળી મહિલા સગર્ભા હોય, જેથી પ્રસુતિ માટે તેણીને પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રસુતિ બાદ તેમની તબિયત લથડતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ ટપુભાઈ ધીરુભાઈ મકવાણાએ ભાણવડ પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *