જામનગર શહેરમાં ઠંડી ની શરૂૂઆતની સાથે સાથે ચોર ટોળકી સક્રિય બની છે, અને માધવબાગ વિસ્તારમાં આવેલા બે રહેણાક મકાનને નિશાન બનાવી લઇ, અંદરથી રૂૂપિયા સવા લાખની માલમતા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં માધવબાગ દ્વારકેશ-4 ની પાછળ ઓમ રેસિડેન્સીમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા સંજયભાઈ રામભાઈ પરમાર નામના 35 વર્ષના સતવારા યુવાનના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું.
ગત સાતમી તારીખે સાંજે છ વાગ્યે તેઓ પોતાના મકાનને તાળું મારીને મથુરા નગર વિસ્તારમાં રહેતા પોતાના સસરા ને ઘેર લગ્નમાં હાજરી આપ્યા ગયા હતા, રાતી રોકાણ ત્યાં કર્યું હતું, અને તારીખ 8,12.2024 ના સવારે 6.00 વાગ્યે પરત આવ્યા ત્યારે તેમના મકાનમાં ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
તસ્કરોએ મકાનની અંદર નકુચો તોડી પ્રવેશ મેળવી લઈ ચાંદીના અલગ અલગ ઘરેણાં તથા રૂૂપિયા 70,000 ની રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 88,200 ની માલમતા ઉઠાવી ગયા હતા. જે મામલે સંજયભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ ઉપરાંત બાજુમાં જ રહેતા નિકુંજભાઈ વ્રજકાંતભાઈ ચંદારાણા કે જેઓ પોતાના મકાનને અંદરથી બંધ કરીને ઉપર ના માળે સુતા હતા, જે દરમિયાન તસ્કરો નીચેથી દરવાજો ખોલી નાખી, અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને મકાનમાં રાખેલી કાંડા ઘડિયાળ-આઈફોન મોબાઈલ, અને અન્ય અલગ અલગ સામગ્રી વગેરે મળી રૂૂપિયા 5,500 ની માલમતા ચોરી કરી લઈ ગયા હતા.આમ કુલ બંને મકાનોમાંથી 1,23,700 ની માલમતા ચોરાઇ ગઈ હોવાની ફરિયાદ થઈ છે. જે મામલે પી.એસ.આઈ. આર.ડી. ગોહિલ તપાસ ચલાવે છે.