મોરબીમાં વાવડી ચોકડી પાસે સેલ્સમેન યુવાનની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક ઈસમને ઝડપી લીધો છે મૃતક યુવાન જે એજન્સીમાં ડ્રાઈવર અને સેલ્સમેન તરીકે નોકરી કરે છે ત્યાં અગાઉ પોતે કામ કરતો હતો અને તેને નોકરી છોડ્યા બાદ આ યુવાનને નોકરીએ રાખતા હત્યા કરી હોવાનો ખુલાસો થવા પામ્યો છે.
ગત તા. 02 ના રોજ મોરબી વાવડી ચોકડી પંચાસર જવાના રસ્તે છોટા હાથી ગાડીના કાચ તૂટેલ હોય અને રાજેશભાઈ કાંતિલાલ જોષી રહે પોરબંદર વાળાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં બનાવ સ્થળના સીસીટીવી કેમેરા અને મૃતક રાધિકા સેલ્સ એજન્સીના બાલાજી વેફરના હોલસેલના ફેરા કરતો હોય જેથી તે રૂૂટના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં અગાઉ રાધિકા સેલ્સ એજન્સીમાં જ નોકરી કરનાર ઇસમની મૂવમેન્ટ શંકાસ્પદ જણાઈ આવી હતી અને હત્યા કરનાર ઇસમ મોરબી વાવડી ચોકડીથી આગળ ઓવરબ્રિજ પાસે હોવાની બાતમી મળતા ટીમે આરોપી યશપાલસિંહ ભગીરથસિંહ જાડેજા (ઉ.વ.32) રહે મોરબી નવલખી રોડ શ્રદ્ધા પાર્ક, મૂળ રહે ખાખરડા દેવભૂમિ દ્વારકા વાળાને ઝડપી લીધો હતો.
આરોપી યશપાલસિંહ અગાઉ આ જ એજન્સીમાં ડ્રાઈવર અને સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો અને તેને મેડીકલ કંડીશનને કારણે નોકરી છોડી દીધી હતી જેના સ્થાને મૃતક રાજેશ જોષી નામના યુવાનને નોકરી પર રાખવામાં આવ્યો હતો અને તે યશપાલસિંહના રૂૂટ પર ગાડી ચલાવતા હોય જે ગમતું ના હોવાથી વાવડી ચોકડીએ વાતચીત કરવા ભેગા થયા ત્યારે બંને વચ્ચે ઝઘડો થતા યશપાલસિંહે પથ્થર વડે માથાના ભાગે ઈજા કરી હત્યા કરી હોવાનું તપાસ દરમીયાન ખુલ્યું છે
