કોંગ્રેસના સહી ઝુંબેશમાં શહેરીજનોએ ઉઠાવેલો અવાજ: અભિપ્રાય માટે હેલ્પ લાઈન નં.83204 13448 જાહેર કરાયો
ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવાતા નગરજનો
કાલાવડ રોડ પર ઓવરબ્રીજ નીચે મનપા દ્વારા મોતના માચડારૂપી ગેમઝોન તૈયાર કરી રહ્યું હોય તેના વિરોધમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી ગેમઝોનની કામગીરી શરૂ રાખતા નિંભર તંત્રને ઢંઢોળવા માટે કોંગ્રેસ દ્વારા આજથી સહિ ઝુંબેશ શરૂ કરવામાં આવતા 98 ટકા લોકોએ ગેમઝોનનો વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાઈએ જણાવ્યું હતું કે, કાલાવડ રોડ પર બ્રિજ નીચે જોખમી ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ આ અંગે કોઈ જાતનો પ્રત્યુતર ન મળતા રાજકોટના કાલાવડ રોડ ઉપર ગેમ ઝોનની પાસે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સવારથી જ લોકોના, વેપારીઓના, વિદ્યાર્થીઓના અવરજવર કરતા શહેરીજનોના બ્રિજ નીચેના ગેમ ઝોન સાકાર થવો જોઈએ કે નહીં તે અંગેના અભિપ્રાયો મેળવવામાં આવેલ હતા તેમાંથી 98 ટકા લોકો ગેમ ઝોન બ્રિજ નીચેની બદલે અન્ય સ્થળે બને તે જરૂૂરી છે અને બ્રિજ નીચે અને અહીંયા ટ્રાફિકની સમસ્યા થાય તેમ હોવાને પગલે નકારાત્મક રિપોર્ટ આપેલ છે. મ્યુનિસિપલ કમિશનર સાઇટ વિઝીટ કરી લોકોના વેપારીઓના અને આજુબાજુના રહેવાસીઓના અભિપ્રાયો મેળવી અને ગેમ ઝોનનો પ્રોજેક્ટ રદ કરે તેવો સુર ઉઠ્યો છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગેમ ઝોન નો પ્રોજેક્ટ રદ કરવા અંગે આંદોલનના ગણેશ કરતા જુદી જુદી ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં અને વેપારીઓ પાસે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ પાસે અભિપ્રાય અંગેના ફોર્મ ભરાવી કલેક્શન કરેલ હતું. અને રાજકોટના કોઈપણ નગરજનો પોતાનો અભિપ્રાય આ ગેમ ઝોન અંગે આપવા માગતા હોય તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાથે રહેલ ફોર્મ ભરી અને હેલ્પલાઇન નંબર 83204 13448 પર પણ પોતાનો અભિપ્રાય કોંગ્રેસ સમિતિને મોકલી આપી શકે છે.
લોકોના કહેવા મુજબ પ્રોજેક્ટ અંગે શાસકોએ બ્રિજ નીચે ગેમ ઝોનનો પ્રોજેક્ટ બનાવી બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. અને સ્થાનિક રહેવાસીઓમાં પણ ભારે આક્રોશ છે. લોકોની નારાજગી હોવા છતાં શાસકોના લાભાર્થે જ્યારે ગેમ ઝોન બની રહ્યો છે. તે પ્રોજેક્ટ રદ કરવા અંગે તબક્કા વાર કાર્યક્રમો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવશે અને તારીખ 29/1 ને બુધવારે સવારે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં સ્થાનિક રહેવાસીઓ અને તેના વેપારીઓ અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે.
પ્રોજેક્ટ રદ કરવા અંગે શાસકો વિરુદ્ધ ભારે સૂત્રોચાર કરવામાં આવેલ હતા. કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની આગેવાની હેઠળ, વશરામભાઈ સાગઠીયા, મહેશભાઈ રાજપુત, ડોક્ટર હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, નરેન્દ્રભાઈ સોલંકી, ધરમભાઈ કાબલિયા, અશોકસિંહ વાઘેલા, મેઘજીભાઈ રાઠોડ, દીપ્તિબેન સોલંકી, નયનાબા જાડેજા, રવજીભાઈ ખીમસુરીયા, ગોપાલભાઈ અનડકટ, વશરામભાઈ ચાંડપા, ગોવિંદભાઈ સભાયા, જલ્પેશ વાઘેલા, સલીમભાઈ કારિયાણી, હેમલ પેશીવાડીયા, પ્રભાતભાઈ ડાંગર, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદત રાવલ, જીતુભાઈ ઠાકર, રસિકભાઈ ભટ્ટ, હિંમતભાઈ મયાત્રા, જગદીશભાઈ ડોડીયા, અશોકભાઈ વાળા, હીરાલાલ પરમાર, જયંતીભાઈ હિરપરા, રણજીત મુંધવા, પ્રવીણભાઈ દેસાઈ, અમિતભાઈ ઠાકર, દેવેન્દ્રસિંહ રાણા, ગોપાલભાઈ મોરવાડિયા, પાસવાનજી, બીપીન ભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
તા. 29-30મીએ ધરણાં માટે પરવાનગી માગી
ગેમ ઝોન અંગે કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, સહિ અભિયાન અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરતા આગામી તા. 29-30 જાન્યુઆરીના દિવસે જ્યાં ગેમઝોન બને છે તે સ્થળે જ શહેરીજનો વેપારીઓ, વિદ્યાર્થીઓને સાથે રાખી ધરણાકરવામાં આવશે તેના માટે પરવાનગી માંગવામાં આવી છે.
ઓવરબ્રીજ નીચે બનતા ગેમઝોનના કારણે વેપારીઓમાં દેકારો મચી ગયો છે. બ્રિજ નજીક કેટલીક દુકાનો આવેલી છે આ દુકાનોમાં આવતા ગ્રાહકો અત્યાર સુધી બ્રિજ નીચે પોતાના વાહન પાર્ક કરતા હતાં હવે ત્યાં ગેમઝોન બનશે તો પાર્કિંગની સમસ્યા થશે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવશે તેવી હૈયાવરાળ વેપારીઓએ કોંગ્રેસના આગેવાનો સમક્ષ ઠાલવી હોવાનું નેતાઓએ જણાવ્યું છે.
