થોડા-થોડા રૂપિયા ટ્રાન્સફર કરાવડાવી વેપારીનો વિશ્ર્વાસ કેળવ્યો, પોલીસમાં ફરિયાદ
સદર બજારમાં આવેલી મહોમંદી રેસીડેન્સીમાં રહેતા અબ્બાસઅલી અકબરઅલી પુનાવાલા નામના વેપારીએ જામનરગના ડાંગરવાડા રોડ પર આવેલી પંચવટી કોલોનીમાં રહેતા શૈલેન્દ્રસિંઘ નીરબાણ નામના શખ્સ સામે 85 હજારની ઠગાઇ ર્ક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અબ્બાસઅલીએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમને ગેલેક્સી હોટેલની સામે મારૂતિનંદન કોમ્પલેક્ક્ષમાં સાત વર્ષથી સીમકાર્ડ વેેંચવાની અને મની ટ્રાન્સફરની દુકાન છે.
ત્યાં છેલ્લા એકાદ વર્ષથી શૈલેન્દ્રસિંઘ નીરબાણ અનેક વાર નાણા ટ્રાન્સફર કરાવવા આવે છે. જેથી બન્ને વચ્ચે વિશ્ર્વાસ વધતા બન્ને એક બીજાના મોબાઇલ નંબરની આપલે કરી હતી. ત્યાર બાદ ઘણીવાર આ શૈલેન્દ્રસિંઘ ફોન કરી વેપારી અબ્બાસઅલીને પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતા હતા. જેથી અબ્બાસઅલી શૈલેન્દ્રસિંઘ કહે તે, ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. બીજી દિવસે આ શૈલેન્દ્રસિંઘ તેમને પૈસા આપી દેતો હતો. તેવી જ રીતે ગઇ તા.26/9ના રોજ ફરિયાદી અબ્બાસઅલીને રાત્રીના સમયે શૈલેન્દ્રસિંઘનો કોલ આવ્યો હતો અને એક પેઢીમાં રૂા.1 લાખ ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જેથી વેપારીએ જુના ચાર્જના રૂા.6800 બાદ કરી રૂા.93200 ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ શૈલેન્દ્રસિંઘનો કોલ આવ્યો હતો અને તેમણે વેપારીને પૈસા ટ્રાન્સફર કરી દીધાનું જણાવ્યું હતું.
પરંતુ વેપારીએ પોતાના એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોતા ખાતામાં રૂપિયા આવ્યા નહીં હોવાનું જાણવા મળતા શૈલેન્દ્રસિંઘ પૈસા આપવાની તારીખો આપતો હતો અને 15 હજાર રૂપિયા ટ્રાન્સફર ર્ક્યા હતા. બાકીના રૂપિયા આપવાના બહાના કાઢતો હોય જેથી વેપારીએ તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.