દીવાળીનુ વેકેશન પુરુ થતા જ શાળા-કોલેજો ધમધમવા લાગી છે. એ પુર્વે રાજકોટમાં 399 જેટલી શાળાઓમાં નિયમ મુજબ ફાયર સેફ્ટી ન હોવાનો ઘટસ્ફોટ મનપાના ચેકીંગ દરમિયાન થયો હતો. આ તમામ શૈક્ષણિક સંસ્થાઓને વેકેશન દરમિયાન નોટિસો ફટકારવામા આવ્યા બાદ હવે ફરીથી આ તમામ સ્થળે ચેકીંગનો દોર ચાલુ કરવામા આવ્યો છે. નિયમાનુસર ફાયર સેફ્ટી નહીં હોય તેવી શાળા-કોલેજો ચાલુ થવા દેવામા નહીં આવે તેવુ અલ્ટીમેટમ અપાયા બાદ આજે સવારથી જ શહેરના તમામ આઠ ફાયર સ્ટેશનની ટીમ તેના વિસ્તારમાં આવતી શાળા-કોલેજોમાં ચેકીંગ માટે ઉતરી હતી. આજે બપોર સુધીમાં 60થી વધુ શાળા-કોલેજોમાં ચેકીંગ થયુ હતુ. એ દરમિયાન તમામ સ્થળે ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરી લેવામા આવી હોવાનું જણાતા ફાયર એન.ઓ.સી. આપવાની પ્રક્રિયા કરવામા આવી હતી.
દરમિયાન ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી અત્યાર સુધીમાં ફાયર સેફ્ટીને લગતી વિવિધ ક્ષતિઓ ધરાવતી હોય તેવી કુલ 2,374 બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં ઇમારતોમાં સુરક્ષા સાધનોનો અભાવ કે ખામી હોવાનું સામે આવતા શહેરની સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. તપાસ દરમિયાન સામે આવેલી હકીકત મુજબ આ 399 શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થાનો ગંભીર અભાવ જોવા મળ્યો છે. કેટલીક શાળાઓ અને કોલેજોમાં આગ બુઝાવવાના સાધનો જ લગાવવામાં આવ્યા નથી, તો કેટલાક સ્થળોએ સાધનો મૂકવામાં આવ્યા હોવા છતાં તે કાર્યરત નથી અથવા નિયમ મુજબ અપડેટ કરાયેલા નથી.
ચીફ ફાયર ઓફિસર અમિત દવેની જાહેરાત બાદ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે. અગાઉ જે 399 શાળાઓ અને કોલેજોને ફાયર સેફ્ટી અંગે નોટિસ પાઠવવામાં આવી હતી, તે તમામ સ્થળોએ સ્થળ તપાસ અને સઘન ચેકિંગ કરવા માટે ફાયર વિભાગની વિશેષ ટીમોને કામે લગાડવામાં આવી છે. આ ટીમો દ્વારા દરેક સંસ્થામાં ફાયર સાધનોની સ્થિતિ ઉપરાંત એક્ઝિટ વ્યવસ્થા અને એન.ઓ.સી.ની પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવશે તથા નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
180 ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ફાયર સેફ્ટી માટે છેલ્લુ અલ્ટીમેટમ
દીવાળી પૂર્વે ફાયર બ્રિગેડ શાખા દ્વારા શહેરના તમામ 314 ટ્યુશન અને કોચિગ ક્લાસનું ચેકિંગ કરવામાં આવતાં 180 જેટલાં ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટિના સાધનોનોનો અભાવ અને ફાયર એન.ઓ.સી. ન હોવાનું કે પછી એન.ઓ.સી.ની મુદત પુરી થઇ ગયાનું જોવા મળતાં તમામને નોટિસ ફટકારીને ફાયર સેફ્ટિના સાધનો વસાવી લેવા અને એન. ઓે.સી. મેળવી લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. મોટાભાગના ક્લાસીસે ફાયર સેફ્ટી સાથે એન.ઓ.સી. મેળવી લીધુ છે. પરંતુ હજુ પણ જે કોચિંગ ક્લાસીસમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે એવા એકમોને નોટિસ આપવાનું પણ શરૂૂ કરાયુ છે. નોટિસમાં અપાયેલી મુદત સુધીમાં સાધનો ફીટ કરવામા આવેલા નહીં હોય તો ક્લાસીસ સીલ કરી દેવાની ચેતવણી અપાઇ છે.
