મુખ્ય રથયાત્રા સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી શહેરમાં કરશે પરિભ્રમણ, 3 મુખ્ય રથ સાથે 60 જેટલા વાહનો જોડાશે
શહેરમાં છેલ્લા 19 વર્ષથી અષાઢી બીજના પવિત્ર પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવાની પરંપરા રહી છે. વર્ષમાં માત્ર એક જ વાર જગન્નાથ જ્યારે ભક્તોને દર્શન આપવા અને નગરચર્ચા કરવા માટે નિજ મંદિરેથી બહાર નીકળે છે, ત્યારે સમગ્ર રાજકોટ જાણે ભક્તિમય બની જશે રાજકોટમાં અષાઢી બીજના પવિત્ર પર્વે નિમિત્તે ભક્તિમય માહોલ વચ્ચે કુલ આઠ ભવ્ય રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત ભગવાન જગન્નાથજીની પાંચ, સંત વેલનાથજી, ચરણ ગઢવી સમાજ દ્વારા અને રામાપીરદેવજી તેમજ નાગબાઈ માતાજીની શોભાયાત્રાઓ શહેરના વિવિધ રાજમાર્ગો પર નગરચર્યા અર્થે નીકળશે. જગન્નાથજીની રથયાત્રામાં 3 મુખ્ય રથ સાથે પપ થી 60 જેટલા વાહનો અને બેથી અઢી હજાર ભાવીકો જોડાશે.
મુખ્ય રથયાત્રા સવારે 8 વાગ્યા થી રાત્રે 8 વાગ્યા સુધી શહેરમાં ફરશે ઉપરાંત વેલનાથ ભગવાનની રથયાત્રા,ચારણ ગઢવી સમાજ દ્વારા તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય અને રામાપીરની રથયાત્રા મળી કુલ 8 રથયાત્રા અને શોભાયાત્રા નીકળશે આ વર્ષે નીકળનારી મુખ્ય રથયાત્રામાં ભક્તો માટે અનેક વિશેષ આકર્ષણો કેન્દ્રસ્થાને રહેવાના છે, જે નગરજનોને મંત્રમુગ્ધ કરશે. ખાસ કરીને વૃંદાવનની પ્રખ્યાત રાસમંડળી, ભયાવહ અને ભક્તિસભર પ્રસ્તુતિ કરતી અઘોરી મંડળી તેમજ ઉજ્જૈનથી વિશેષ રૂપે પધારનારા સૌથી ઊંચા વિરાટ મહાકાળી માતાજી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ કલાકારો રથયાત્રાના નિર્ધારિત રૂટ પર અલગ-અલગ મુખ્ય ચોક અને ચાર રસ્તાઓ પર પોતાની અદ્ભૂત કલા પ્રદર્શિત કરી નગરજનોને ભક્તિસભર મનોરંજન પૂરું પાડશે. સમગ્ર માહોલ ’જય રણછોડ, માખણ ચોર’ ના નારાઓથી ગુંજી ઉઠશે.
આ ભવ્ય રથયાત્રા સવારે 8:00 વાગ્યે નિજ મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ વિસ્તારોમાં 26 કિલોમીટર લાંબા ઐતિહાસિક રૂટ પર ભ્રમણ કરશે અને ત્યારબાદ સાંજે 8 વાગ્યે પુન: નિજ મંદિરે પરત ફરશે. ભગવાનના સ્વાગત માટે શહેરના વિવિધ સાર્વજનિક, ધાર્મિક, રાજકીય સંગઠનો, વેપારી મંડળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ભારે તૈયારીઓ કરવામાં આવી છે. આ 26 કિલોમીટર લાંબા રૂટ પર ઠેર-ઠેર ભગવાન પર પુષ્પવર્ષા કરવામાં આવશે. ફુલહાર પહેરાવવામાં આવશે તેમજ ભક્તો માટે શરબત, ઠંડા પીણા અને વિવિધ પ્રસાદનું વિતરણ કરીને રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓ માટે 250 કિલો ફણગાવેલા મગ અને 150 કિલો ચણાના પવિત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
માંધાતાસિંહના પેલેસ પર ભક્તોને પ્રસાદ વિતરણ કરાશે રથયાત્રાના મંગલ પ્રસ્થાન બાદ સવારે 8:30 વાગ્યાથી આ યાત્રા નિર્ધારિત રૂટ પર આગળ વધશે. જેમાં મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઇન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ અને સદરબજાર જેવા વિસ્તારો આવરી લેવાશે.
ત્યાંથી આગળ વધીને રથયાત્રા લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી ટોકીઝ રોડ, પેલેસ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા શાકમાર્કેટ, સહકાર મેઈન રોડ, ઙઉખ કોલેજ, સ્વામિનારાયણ ચોક, મવડી રોડ ફાયરબ્રિગેડ, રાજનગર ચોક અને નાનામૌવા ચોકડી થઈ અંતે નિજ મંદિરે પરત ફરી પૂર્ણ થશે. આ લાંબા રૂટ પર બપોરે 1:00 વાગ્યે માંધાતાસિંહના ભવ્ય પેલેસ ખાતે રથયાત્રા વિરામ લેશે, જ્યાં તમામ ભક્તજનો પરંપરાગત પ્રસાદ ગ્રહણ કરીને થોડો સમય વિશ્રામ કરશે રથયાત્રામાં વાહનોની ગોઠવણી પણ ખૂબ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી છે.
રથયાત્રામાં સૌથી આગળ ધૂમ મચાવતા ડીજેના વાહનો રહેશે, જેની પાછળ મનોરંજક અને ભક્તિમય રાસમંડળીઓ ચાલશે. ત્યારબાદ મુખ્ય ત્રણ ભવ્ય રથ જોડાશે, જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજમાન થઈ નગરજનોને દર્શન આપશે. આ મુખ્ય રથોની પાછળ પવિત્ર મગના પ્રસાદનો ખાસ રથ ચાલશે અને તેની પાછળ સુંદર રીતે સુશોભિત કરેલા વિવિધ ફ્લોટ્સ ધરાવતા વાહનો જોડાશે.
આઠ રથયાત્રા-શોભાયાત્રાને 2000 પોલીસનું સુરક્ષા કવચ
આવતીકાલે અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિમય માહોલ વચ્ચે કુલ આઠ ભવ્ય રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા 2000 જેટલા સુરક્ષા જવાનોનો અભેદ અને સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું સીધું સુપરવિઝન એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક સંભાળશે. તેમના માર્ગદર્શન હેઠળ 4 ડીસીપી, 6 એસીપી, 23 પીઆઈ, 91 પીએસઆઈ સહિત 630 પોલીસના માણસો તૈનાત રહેશે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે 126 મહિલા પોલીસ કર્મચારીઓ, 10 એસઆરપી કંપની, 320 ટીઆરબી જવાનો અને 492 હોમગાર્ડના જવાનોને પણ બંદોબસ્તની કડક ફરજમાં જોતરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સચોટ બનાવવા માટે આ વખતે આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. શોભાયાત્રા જે સ્થળેથી પ્રસ્થાન કરશે તે તમામ મંદિરના પ્રવેશ દ્વાર પર હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર વડે શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે. કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સ્નાઈફર ડોગ અને બાયનોક્યુલર્સ (દૂરબીન)ની વિશેષ મદદ લેવાશે. આ સિવાય, શાંતિપૂર્ણ માહોલ જળવાય તે હેતુથી દરેક રથયાત્રા-શોભાયાત્રાની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરવામાં આવશે, જેના માટે ખાસ 15 પ્રોફેશનલ વીડિયોગ્રાફર્સની નિમણૂક કરવામાં આવી છે. ભીડભાડ વાળા વિસ્તારોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બે ઘોડેસવાર જવાનો પણ સતત પેટ્રોલિંગમાં જોડાશે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ માહિતી આપતા જણાવ્યું છે કે, આ પર્વને અનુલક્ષીને શહેરના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ’એરિયા ડોમિનેશન’ અને સઘન ’કોમ્બિંગ’ની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. કોમી એકતા અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે દરેક સમાજના આગેવાનો સાથે મળીને એકતા સમિતિની બેઠકો પણ યોજાઈ ચૂકી છે. સમાજમાં વૈમનસ્ય ફેલાવતા અસામાજિક તત્વો અને ટ્રબલ મેકર્સ વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. કોઈપણ ધર્મ કે સમાજની લાગણી દુભાય તેવી આપત્તિજનક કમેન્ટ્સ વાયરલ ન થાય તે માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર સાયબર સેલ અને પોલીસના માણસો સતત રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગ કરશે. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ની સ્પેશિયલ ટીમો પણ સંવેદનશીલ પોઈન્ટ્સ પર બંદોબસ્તમાં ખડેપગે તહેનાત રહેશે જેથી રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે
