રાજકોટ મનપાને વેરો ન ચુકવતા રીઢા બાકીદારો નાણાકીય વર્ષના અંતમાં જ્યારે ટેક્સ બ્રાન્ચની કડક વસુલાતની ભીંસ આવે છે ત્યારે હાલ પુરતુ સંકટ ટાળવા માટે બાકી વેરાનો ચેક તો આપી દે છે પરંતુ બાદમાં ચેક રિર્ટન થાય એટલે બાકીની કસરત મનપાને કરવી પડે છે. ગત નાણાકીય વર્ષમાં મનપાને આવા 757 આસામીઓએ ધક્કાબેંકના ચેક પધરાવી દીધા હતા. રૂૂ.4 કરોડ 56 લાખની રકમના ચેક રિર્ટન થયા છે.
આ તમામ આસામીઓને મનપાએ લીગલ નોટિસ ફટકારીને બાકી વેરો ચુકતે કરવામા નહીં આવે તો હવે સીધી નેગોશિયેબલ ઇન્સ્ટુ. એક્ટ હેઠળ કોર્ટમાં કેસ દાખલ કરવાની આખરી ચેતવણી આપી છે.
આર્થિક મંદીની અસર હેઠળ રાજકોટ મનપાને કરદાતાઓ તરફથી મળેલા ચેક રિર્ટનના કેસ પણ આ વખતે વધુ છે.
ગત નાણાકીય વર્ષમાં મનપાનો ટેક્સનો ટાર્ગેટ તો પુરો થયો જ નથી પણ જેટલી રીકવરી આવી છે તેમા સાડા ચાર કરોડ તો મનપાને ચેક રિટર્નના કેસમાં બટકી ગયા હતા. ટેક્સ અને એકાઉન્ટ બ્રાન્ચના સુત્રોમાંથી મળતી વિગત મુજબ વેરા વસુલાત પેટે આવેલા 757 આસામીઓના ચેક રિર્ટન થયા છે. મોટાભાગના ચેક અનસફીસીયન્ટ બેલેન્સના કારણોસર રિર્ટન થયા છે. ચેક રીર્ટનના કુલ 4 કરોડ 56 લાખ રૂૂપિયા સલવાઇ ગયા હતા. જો કે જેમના ચેક રિર્ટન થયા છે એ તમામ આસામીઓને નોટિસ ફટકારવાનું ચાલુ કરવામા આવ્યા છે.
તમામને એવી આખરી ચેતવણી આપવામા આવી છે કે, બાકી રકમનો તમામ વેરો ચુકતે કરવામા નહીં આવે તો નેગોશિયેબલ ઇન્સ્ટુ.એક્ટ હેઠળ કેસ દાખલ કરી દેવામા આવશે. જો કે જેમના ચેક રિર્ટન થયા છે તેમાના મોટાભાગના ધુંબાબાજ આસામીઓને કોર્ટ કેસનો રેલો આવતા બાકી વેરો ભરપાઇ કરવા દોડધામમાં લાગી ગયા છે. 50 ટકા રકમની રીકવરી આવી ગઇ હોવાનું ટેક્સ બ્રાન્ચનું કહેવુ છે. બાકીના જેમનો વેરો ચુકતે નથી થયો એ તમામ સામે ચેક રિટર્નનો કેસ કોર્ટમાં દાખલ કરવા માટેની તજવીજ ચાલી રહી છે.
