ઉદ્યોગોને શરતોને આધિન 70 ટકા LPG ફાળવાશે

  રજિસ્ટ્રેશન ફરજિયાત, પાઇપલાઇન કનેકશન માટે અરજી કરેલી હોય તેને જ લાભ   ઇરાન-ઇઝરાયેલ યુધ્ધ થોડુ શાંત થતા અને હોર્મુઝ ખાડીમાં ફસાયેલા જહાજો ધીરેધીરે રિલિઝ…

 

રજિસ્ટ્રેશન ફરજિયાત, પાઇપલાઇન કનેકશન માટે અરજી કરેલી હોય તેને જ લાભ

 

ઇરાન-ઇઝરાયેલ યુધ્ધ થોડુ શાંત થતા અને હોર્મુઝ ખાડીમાં ફસાયેલા જહાજો ધીરેધીરે રિલિઝ થવા લાગતા ભારતમાં ગેસ અને પેટ્રોલ-ડીઝલની તંગી પણ હળવી થઇ રહી છે જેના કારણે ગુજરાત સરકારે એલપીજીની સપ્લાયમાં પણ વધારો કર્યો છે. જો કે, આ માટે કેટલીક શરતો પણ લાદવામાં આવી છે.

ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યમાં એલ.પી.જી ગેસના પુરવઠાની વ્યવસ્થાને વધુ સુચારુ અને કાર્યક્ષમ બનાવવા માટે અગાઉના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે.

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ, રાજ્યના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો જેવા કે ફાર્મા, ફૂડ, પોલિમર, કૃષિ, પેકેજિંગ, પેઇન્ટ, સ્ટીલ, સિરામિક, ગ્લાસ અને એરોસોલ સહિતના એકમોને હવે માર્ચ 2026 પહેલાના તેમના વપરાશ સ્તરના 70 ટકા સુધી બલ્ક બિન-ઘરેલું એલપીજી મળી શકશે. આ સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્ર માટે પુરવઠાની કુલ મર્યાદા 0.2 TMT/દિવસ નક્કી કરવામાં આવી છે.
આ નવી વ્યવસ્થા હેઠળ ફાળવણી માટે કેટલીક શરતો પણ નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં એવા એકમોને પ્રાથમિકતા આપવામાં આવશે જ્યાં ઉત્પાદન પ્રક્રિયામાં LPG નો ઉપયોગ અનિવાર્ય હોય અને કુદરતી ગેસ તેનો સક્ષમ વિકલ્પ બની શકે તેમ ન હોય. આ સુવિધા મેળવવા ઈચ્છતા તમામ એકમોએ જાહેરક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપની (OMC) પાસે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ ઉપરાંત સંબંધિત એકમોએ સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓ પાસે PNG કનેક્શન માટે અરજી કરેલી હોવી જરૂૂરી છે, જોકે જે કિસ્સામાં LPG એ ઉત્પાદન પ્રક્રિયાનો અભિન્ન ભાગ હોય તેમને આ શરતમાંથી મુક્તિ આપવામાં આવશે.

વધુમાં ઔધોગિક શ્રમિકો માટે ગુજરાત રાજ્યમાં 5 (પાંચ) કીલોના કુલ – 98,883 સિલિન્ડર પુરા પાડવામાં આવેલ છે. જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે. જે પૈકી સુરતમાં સૌથી વધુ 26,183, અમદાવાદમાં 19,930, કચ્છમાં 7771, ભરૂૂચમાં 6723 અને રાજકોટમાં 6525 સિલિન્ડર ફાળવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *