અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગૌવંશની કતલ અને ગૌમાંસની હેરાફેરીની પ્રવૃત્તિઓને ડામવા માટે સિટી પોલીસ સતર્ક બની છે. અગાઉ પણ પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે શહેરમાં સામાજિક પ્રસંગના જમણવારમાં ગૌવંશના માંસનો ઉપયોગ થયો હોવાના આક્ષેપથી ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, અમરેલી શહેરના મોટા કસ્બાવાડ વિસ્તારમાં આવેલા સિપાઈ જમાતખાના ખાતે દીકરીની સગાઈ અને ભાણિયાના લગ્ન પ્રસંગ નિમિત્તે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમણવાર માટે અમરેલીના જીવાપરા વિસ્તારમાં રહેતા મહમદહનીફ રસુલમિયા સૈયદે લીલીયાના અસ્લમ સુલેમાન બાવનકા પાસેથી આશરે 70 કિલો ગૌવંશનું માંસ મંગાવ્યું હતું.
ફરિયાદમાં જણાવાયા અનુસાર, આરોપી અસ્લમ બાવનકાએ પોતે અથવા અન્ય વ્યક્તિ મારફતે ગૌવંશની કતલ કરાવી હતી અને ભાડાની ઇકો ગાડીમાં માંસનો આ જથ્થો અમરેલી પહોંચાડ્યો હતો. ત્યારબાદ ઇરફાન ઉર્ફે ટીડા નામના શખ્સે જમણવાર માટે ગૌમાંસની વાનગી તૈયાર કરી આપી હોવાની વિગતો પણ સામે આવી છે.
આ સમગ્ર મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં પ્રાણી સંરક્ષણ અધિનિયમ, પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની વિવિધ કલમો હેઠળ ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દીકરીની સગાઈ અને લગ્ન પ્રસંગના જમણવારમાં ગૌમાંસ પીરસવાના આક્ષેપને પગલે સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે. હાલ આ કેસની વધુ તપાસ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.બી. ત્રિવેદી ચલાવી રહ્યા છે. ગૌવંશના માંસનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ કૃત્યમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
