આજે ગુજરાત હાઈકોર્ટ સહીત પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો હતો. આ ધમકીને ગંભીરતાથી લઈને તમામ કોર્ટમાં ન્યાયિક કામગીરી અટકાવીને ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમની મદદથી તપાસ શરુ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર આ ધમકી LTTE(લિબરેશન ટાઇગર ઓફ તમિળ ઇલમ) દ્વારા આપવામાં આવી છે તેમજ તમામને એક જ પેટર્નથી ધમકીઓ આપી છે. LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર ISKPના મેમ્બર્સે કોર્ટને નિશાન બનાવી છે.
આ ઘટનાક્રમ વચ્ચે રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી હતી. આ અંગે કોર્ટના સિક્યોરિટી ઇન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. તપાસ દરમિયાન રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરમાં તપાસ દરમિયાન SOG ટીમને એક ડ્રોન મળ્યું હતું. જો કે તપાસમાં આ ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેમાં કોઈ સ્ફોટક વસ્તુ ઇન્સ્ટોલ કરેલી નહોતી. પોલીસે વકીલની ડ્રોન બાબતે પૂછપરછ હાથ ધરી હતી.
આ ઉપરાંત ભરૂચ કલેકટર અને ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ આ જ પેટર્નથી ધમકી ભરેલો મેલ મળ્યો છે. આ અંગે જાણ થતા જ પોલીસે કલેક્ટર કચેરી ખાલી કરાવી હતી.
આ ધમકીની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટ તેમજ અન્ય તમામ જિલ્લાની કોર્ટમાં પ્રવેશબંધી કરી દેવાઈ છે. એટલું જ નહીં, આ સિવાય ન્યાયિક કામગીરી પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાઈ છે. હાલ બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા પાર્કિંગ, કેન્ટીન અને કોર્ટ બિલ્ડિંગના દરેક માળ પર ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. જો કે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
