કંડોરણા ગામનો શખ્સ બૂકિંગના પૈસા ઉઘરાવી નાસી છૂટતા પોલીસમાં અરજી
ખંભાળિયાથી ચારધામની યાત્રા કરાવવાની લાલચ આપી અને આ વિસ્તારના ગ્રામજનો સાથે મોટી રકમની છેતરપિંડી કરવા સબબ ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામના શખ્સ સામે અહીંના પોલીસ મથકમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે.
આ ચકચારી પ્રકરણની વિગત મુજબ થોડા દિવસો પૂર્વે પ્રયાગરાજની યાત્રાનો સંદર્ભ આપી અને ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે રહેતા એક શખ્સ દ્વારા ભાઈબીજની યાત્રા કાઢવામાં આવતી હોવાનું જણાવીને આ યાત્રામાં જવા માટે માત્ર રૂૂ. 4,000 ભરી અને યાત્રાનો લાભ લેવા ગ્રામ્ય વિસ્તારના લોકોને જણાવાયું હતું. એક વ્યક્તિ દીઠ રૂૂ. 4,000 ની રકમ લઈ અને બાકીની અન્ય રકમ સખીમંડળની સહાયમાંથી તેમને આવતી હોવાનું જણાવી અને અહીંના ધરમપુર ગ્રામ પંચાયત સહિતના વિસ્તારના 59 જેટલા લોકો પાસેથી રૂૂ. ચાર-ચાર હજાર રોકડ રકમ મેળવી લીધી હતી.
ચારધામની યાત્રા તેના દ્વારા તારીખ 3 ઓક્ટોબરના રોજ કાઢવામાં આવનાર હોવાનું નક્કી કરાયું હતું. પરંતુ તેમના પરિવારમાં એક મરણ થયું હોવાથી હવે આ યાત્રા તારીખ 5 ના રોજ રાત્રે 10 વાગ્યે નીકળશે તેમ જણાવી અને ખંભાળિયા નજીકના એક પેટ્રોલ પંપ પાસે લોકોને એકત્ર થવા જણાવ્યું હતું. યાત્રાએ જતા પરિવારજનોને વિદાય આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ સ્થળ એકત્ર થયા હતા. જ્યાં ન તો બસ આવી, કે ન બુકિંગ કરનાર શખ્સ… વાયદો આપનાર અને પૈસા મેળવનાર આ શખ્સ મોબાઈલ બંધ કરી અને નૌ-દો-ગ્યારહ થઈ ગયો હતો.
આ બનાવ બાદ આખરે મોડી રાત્રે લોકો પોત-પોતાના ઘરે ચાલ્યા ગયા હતા અને ગઈકાલે સોમવારે સવારે 11 વાગ્યે અહીંની સતવારા સમાજની વાડી (બજાણા રોડ) ખાતે તમામ લોકો તેમજ તેમના પરિવારજનો એકત્ર થયા હતા.
અહીં સતવારા સમાજના અગ્રણી રસિકભાઈ નકુમ, બાબાભાઈ સરપંચ, સહિતના લોકોએ આ મુદ્દે ચર્ચા-વિચારણા કરી અને ઉપરોક્ત શખ્સ સામે અહીં પોલીસમાં ફરિયાદ અરજી કરવામાં આવી હતી. ચારધામની યાત્રા બાબતે છેતરપિંડી આચરનાર શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ ભોગ બનનાર લોકોને વળતર મળે તે માટેની માંગ સાથેની રજૂઆતો કરવામાં આવી છે. આ બનાવે અહીંના સતવારા સમાજ તેમજ ગ્રામજનોમાં ભારે ચર્ચા જગાવી છે.
