શહેર નજીક પારૂલ યુનિવર્સિટીમાં 50થી વધુ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ખાનગી યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં બ્રેકફાસ્ટમાં સેન્ડવીચ અને ચ્હા -કોફી પીધા વિદ્યાર્થીનીઓને ઉલ્ટી થતાં દાખલ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓને કોઇ મળી ના શકે તે માટે હોસ્પિટલ ખાતે યુનિ.નો સિક્યુરિટી સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો.
શહેર નજીક આવેલ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને કોલેજ કેમ્પસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ હોલની કેન્ટીનમાં સવારે બ્રેકફાસ્ટમાં સેન્ડવીચ અને ચ્હા -કોફી પીધી હતી. નાસ્તો કરી બહાર નીકળ્યા બાદ વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવાની સાથે ઉલ્ટીઓ શરૂૂ થતાં તબિયત બગડી હતી. ખોરાકી ઝેરની અસર થયાની એક પછી એક આશરે 50 જેટલા વિદ્યાર્થીઓએ ફરિયાદો કરતા તમામને યુનિવર્સિટીની બાજુમાં જ આવેલી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાઇ હતી. યુનિવર્સિટી સત્તાધીશોએખોરાકી ઝેરની અસર પામેલા વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી રહે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે દોડધામ કરી મૂકી હતી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હોસ્પિટલ ખાતે યુનિવર્સિટીનો સિક્યુરિટી સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો.
જેથી અન્ય વિદ્યાર્થીને બીમાર વિદ્યાર્થીનીઓને મળવા દેવામાં આવ્યા ના હતા. યુનિવર્સિટી ખાતે અને હોસ્ટેલની બહાર પણ સિક્યોરીટી બંદોબસ્ત ખડકી દેવામા આવ્યો હતો. આખરે ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતા પી.આઈ. પૃથ્વીરાજ.આર. જાડેજા સહિતનો સ્ટાફ ખાનગી યુનિવર્સિટી ખાતે પહોંચી ગયો હતો અને વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર કેવી રીતે થઈ તે અંગેની માહિતી મેળવી હતી.આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકના પી.આઇ. પી.આર. જાડેજાએ જણાવ્યું હતું કે ગર્લ્સ હોસ્ટેલમાં બ્રેકફાસ્ટમાં સેન્ડવીચ અને ચ્હા -કોફી પીધા વિદ્યાર્થીનીઓને ઉલ્ટી થતાં દાખલ કરવામાં આવી હતી. ખોરાકી જેકની અસર અંગે તટસ્થ તપાસ થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને તેમના દ્વારા ફૂડના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. રિપોર્ટ આવશે તેના આધારે જવાબદારો સામે પગલા ભરાશે. અત્યારે વિદ્યાર્થીનીઓની તબીયત સુધાર પર છે.
બહારથી આવેલી વાનગીથી ઘટના બની હોવાનું અનુમાન
ખાનગી યુનિવર્સિટીના સંચાલકે આ અંગે જણાવ્યું હતું કે, સવારે મેસમાં બ્રેક ફાસ્ટમાં ઘણી બધી વિદ્યાર્થીનીઓ ઇમર્જન્સી વિભાગમાં આવી અમને ઉલ્ટી થઇ. લગભગ 40 થી 50 છોકરીઓને આવા સીમ્ટમ્સ હતા. ક્યારેક કોઇ ફૂડ આઇટમના કારણે ફૂડ પોઇઝનીંગ થઇ શકે. અત્યારે બેઝીક ટ્રીટમેન્ટ આપીને મોટાભાગની વિદ્યાર્થીનીઓને પરત હોસ્ટેલ મોકલી દેવાઈ છે. અમારા ત્યાં પાણીનુ દર મહિને પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં ચેકીંગ કરાય છે. પાણીનો ઇસ્યુ છે. જમવાનું બનાવે છે તેનું દર મહિને હોસ્પીટલમાં જ ટેસ્ટીગ કરાય છે. જે ગયા સપ્તાહે થયું છે. જે મટિરિયલ બહારથી આને જેમાં ખાસ કરીને દૂધ કે બ્રેડ એમાં કંઇ હોય શકે. કેમ્પસમાં રોજ 25 હજાર છોકરાઓ 3 ટાઇમ જમે છે. અસર 30 – 40 જણને થઇ છે બહારની આઇટમને સેમ્પલીંગ માટે મોકલી દીધા છે. હોસ્ટેલ લેવલ પર જે પગલા લેવાના હોય તે લઇ લીધા છે.
