50 બોલની ‘સાતાક 50 ક્રિકેટ’ લીગની જાહેરાત, સહેવાગ લીગ કમિશનર

ભારતમાં લોકપ્રિય ટેનિસ-બોલ ક્રિકેટને સંગઠિત અને વ્યાવસાયિક માળખું આપવા માટે સાતાક સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રા લિ. દ્વારા નવી ટેનિસ-બોલ ક્રિકેટ લીગ સાતાક 50’ની જાહેરાત કરવામાં આવી…

ભારતમાં લોકપ્રિય ટેનિસ-બોલ ક્રિકેટને સંગઠિત અને વ્યાવસાયિક માળખું આપવા માટે સાતાક સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રા લિ. દ્વારા નવી ટેનિસ-બોલ ક્રિકેટ લીગ સાતાક 50’ની જાહેરાત કરવામાં આવી છે.આ સાથે જ ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગને લીગ કમિશનર અને ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજને મહિલા લીગ એમ્બેસેડર નિયુક્ત કરાયા છે.

વિજય અરોરા દ્વારા સ્થાપિત આ લીગમાં ઉમા વી, સતીશ માણે, જિતેશ શાહ અને લલિત શાહ સહ-સ્થાપક તરીકે જોડાયા છે. આ સ્પર્ધાની પ્રથમ સિઝન 2027માં યોજાશે.સાતાક 50નું ફોર્મેટ પરંપરાગત ક્રિકેટથી અલગ છે. તેમાં દરેક ઇનિંગ્સમાં 5-5 બોલની 10 ઓવર એટલે કે કુલ 50 કાયદેસર બોલ રમવાના રહેશે. મર્યાદિત બોલને કારણે બેટ્સમેનોએ આક્રમક રમત અને વિકેટ સાચવવા વચ્ચે સંતુલન જાળવવું પડશે, જ્યારે બોલરો અને કેપ્ટનો માટે પણ વ્યૂહાત્મક નિર્ણયો નિર્ણાયક બનશે. લીગમાં કુલ 12 ફ્રેન્ચાઇઝી હશે, જેમાં 6 પુરુષ અને 6 મહિલા ટીમો સામેલ છે.

આ લીગનો મુખ્ય ઉદ્દેશ નાના શહેરો અને સ્થાનિક સ્તરે રમાતા ટેનિસ-બોલ ક્રિકેટની પ્રતિભાને વ્યાવસાયિક તક આપવાનો અને મહિલા ક્રિકેટને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. લીગના સ્થાપક વિજય અરોરાએ જણાવ્યું હતું કે આ મંચનો હેતુ માત્ર નવી લીગ શરૂૂ કરવાનો નથી, પરંતુ ભૌગોલિક મર્યાદાઓ વગર પ્રતિભાને ઓળખી આગળ લાવવાનો અને મહિલાઓને રમતગમત દ્વારા સમાન તક આપવાનો છે. આ લીગમાં ભારતીય ખેલાડીઓની સાથે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પણ જોડવામાં આવશે.

રમતગમત નેતૃત્વમાં ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગને લીગ કમિશનર અને ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજને મહિલા લીગ એમ્બેસેડર નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર પોલ નિક્સન ઓવરસીઝ ક્ધસલ્ટન્ટ અને ગ્લોબલ લીગ કોચ તરીકે, વેંકટેશ પ્રસાદ ટીમ એમ્બેસેડર તરીકે, વેંકટપતિ રાજુ પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે તથા વેદા કૃષ્ણમૂર્તિ મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે જોડાયા છે.

15 રાજ્યોમાં નિ:શુલ્ક ટ્રાયલ્સ શરૂ
ખેલાડીઓની પસંદગી માટે દેશના 15 રાજ્યોમાં નિ:શુલ્ક ટ્રાયલ્સ શરૂ કરવામાં આવી છે, જેમાં અમૃતસર, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, જયપુર, ભોપાલ, ગુવાહાટી, ચેન્નાઈ અને ગોવા જેવા શહેરોનો સમાવેશ થાય છે. 18થી 30 વર્ષની વયના ખેલાડીઓ નોંધણી, ચકાસણી, ટ્રાયલ્સ અને મૂલ્યાંકન દ્વારા કેન્દ્રીય પૂલમાં સ્થાન મેળવી શકશે. નોંધણી કરાવનાર ખેલાડીઓને નિ:શુલ્ક વીમા કવચ પણ આપવામાં આવ્યું છે. ફ્રેન્ચાઇઝીના નામ અને મેચ શેડ્યૂલ અંગેની વિગતો આગામી સમયમાં જાહેર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *