રાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયા

શહેરની ભાગોળે મોરબી રોડ પર બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી કાર સર્પાકાર રીતે ચાલતી હોય તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી…

શહેરની ભાગોળે મોરબી રોડ પર બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી કાર સર્પાકાર રીતે ચાલતી હોય તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી કચ્છના પાંચ શખ્સો પીધેલી હાલતમાં મળી આવતાં પોલીસે પાંચેયની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ પાંચેય મિત્રો કચ્છથી રાજકોટ લગ્ન પ્રસંગમાં આવ્યા હતાં અને ડમ ડમ હાલતમાં કાર લઈ પરત જતાં હતાં ત્યારે જ પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસમાં મથકના કોન્સ્ટેબલ વિજયભાઈ પીસીઆરમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રાત્રિના 12:30 વાગ્યા આસપાસ મોરબી રોડ વેલનાથપરા ઓવર બ્રિજ પાસે ઇન્ડિયન પેટ્રોલ પંપ સામેના રોડ પર એક સફેદ કલરની કાર સર્પાકાર રીતે ચલાવતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે કાર અટકાવી હતી બાદમાં કાર નંબર જીજે 12 સીજી 3520 ના ચાલકની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ ભાવિન પ્રેમજીભાઈ ભર્યા(ઉ.વ. 26 રહે. નાગલપર તા.માંડવી) હોવાનું થોથરાતી જીભે જણાવ્યું હતું. જેથી તેણે નશો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું.

બાદમાં પોલીસે કારમાં સવાર અન્ય ચાર શખસોની પૂછતાછ કરતા તેમણે પોતાના નામ હાર્દિક દેવજીભાઈ ચાવડા (ઉ.વ.25 રહે. ભારાપર, ભુજ), ઇન્દ્રજીત માયાભાઈ ચાવડા (ઉ.વ. 26 રહે. ભારાપર, ભુજ), ધ્રુવ ભરતભાઈ મહેશ્વરી (ઉ.વ. 23 રહે. સથવારા કોલોની, ગાંધીધામ), દીપેન શામજીભાઈ મકવાણા (ઉ.વ. 24 રહે. બળદિયા તા. ભુજ) હોવાનું જણાવ્યું હતું અને આ શખસોએ પણ નશો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે કારચાલક સામે ડ્રીંકસ એન્ડ ડ્રાઈવ જ્યારે કારમાં બેઠેલા અન્ય ચાર શખ્સો સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, આ પાંચેય આરોપી મિત્રો હોય કચ્છથી અહીં રાજકોટમાં લગ્ન પ્રસંગ માટે આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં મદિરાપાન કર્યા બાદ પરત વતન જઈ રહ્યા હતા દરમિયાન પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *