મોરબી જિલ્લામાં ડીગ્રી વગરના તબીબોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિમાં પોલીસે ઝુંબેશરૂૂપે કામગીરી શરૂૂ કરી બોગસ તબીબો ઉપર દરોડાનો દૌર શરૂૂ કરતા ત્રણ દિવસમાં નવ ઘોડા ડોક્ટરો પકડાયા છે જેમાં હળવદ પોલીસે સુંદરી ભવાની, રાયસંગપર, રણમલપુર, ચંદ્રગઢ(લીલાપર) અને ઢવાણા ગામે સપાટો બોલાવી એક સાથે પાંચ – પાંચ મુન્નાભાઈ એમબીબીએસને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઝડપી લેતા ઘોડા ડોક્ટરોમાં ફફડાટ મચી ગયો છે.
હળવદ પોલીસે બોગસ ડોક્ટરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીમાં પ્રથમ કિસ્સામાં સુંદરી ભવાની ગામે ગજાભાઈ કોળીના મકાનમાં આવેલી દુકાનમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે લાંબા સમયથી કોઈપણ જાતની ડીગ્રી વગર ડોકટર બનીને લોકોને લૂંટી રહેલા મૂળ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના પ્રતાપગઢ ગામના વતની વાસુદેવ કાંતિભાઈ કોઠીયા ઉ.45ને ઝડપી લઈ દવા, ઇન્જેક્શન અને ક્રીમ સહિતના 12,405ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.
જ્યારે બીજા કિસ્સામાં મૂળ ઉત્તરપ્રદેશના પીલીભીત ગામે ગુપ્તા કોલોનીમાં રહેતા અને હાલમાં હળવદ તાલુકાના રાયસંગપર ગામે રામજીમંદિરની બાજુમાં કોઇપણ જાતની ડીગ્રી વગર એલોપેથી દવાની પ્રેક્ટિસ કરી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આરોપી પંચાનન ખુદીરામ ધરામી ઉ.33 નામના શખ્સને ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી 9660ની એલોપથી દવા અને સારવારના સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે ત્રીજા બનાવમાં હળવદ પોલીસે રણમલપુર ગામે દરોડો પાડી કોઈપણ જાતની સરકારમાન્ય ડીગ્રી વગર કે લાયસન્સ મેળવ્યા વગર દવાખાનું ચલાવી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા મૂળ બિલાસપુર ગામના વતની એવા આરોપી પરિમલ ધીરેન બાલા ઉ.40.નામના શખ્સને ઝડપી લઈ આરોપીના કબ્જામાંથી 15,682ની કિંમતની દવા, ઇંજેક્શન, ક્રીમ તેમજ સારવાર માટેના સાધનો કબજે કરી મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
ચોથા દરોડામાં હળવદ પોલીસે હળવદ તાલુકાના ચંદ્રગઢ(લીલાપર) ગામે દરોડો પાડી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર દર્દીઓની એલોપથી સારવાર પદ્ધતિથી સારવાર કરતા આરોપી સંદીપ મનુભાઈ પટેલ ઉ.39 રહે.સરા રોડ, રૂૂકમણી પાર્ક, હળવદ વાળાને ઝડપી લઈ 9547ની કિંમતની એલોપથી દવા અને સારવારના સાધનો કબ્જે કરી મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પાંચમા દરોડામાં હળવદ તાલુકાના ઢવાણા ગામે બસ સ્ટેશન પાસે કોઈપણ જાતની ડીગ્રી વગર દર્દીઓને લૂંટવા દવાખાનું ખોલી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા મૂળ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લાના વતની આરોપી અનુજ ખુદીરામ ધરામી ઉ.28ના દવાખાનામાં પોલીસે દરોડો પાડી 4147 ની કિંમતની દવાઓ તેમજ સારવારના સાધનો કબ્જે કરી મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ કાર્યવાહી કરી હતી.