અમેરિકામાં બેકાબૂ બસે છ વાહનને અડફેટે લેતા 5નાં મોત, 34 ઘવાયા

ઘવાયેલાઓમાં ત્રણની હાલત ગંભીર, વર્જિનિયાની ઘટના અમેરિકાના વર્જિનિયામાં એક ભયાનક રોડ એકસીડન્ટ થયું છે. અહીં ઇન્ટરસ્ટેટ-95 (I-95) પર એક બેકાબૂ બસે ટ્રાફિક વર્ક ઝોનના કારણે…

ઘવાયેલાઓમાં ત્રણની હાલત ગંભીર, વર્જિનિયાની ઘટના

અમેરિકાના વર્જિનિયામાં એક ભયાનક રોડ એકસીડન્ટ થયું છે. અહીં ઇન્ટરસ્ટેટ-95 (I-95) પર એક બેકાબૂ બસે ટ્રાફિક વર્ક ઝોનના કારણે ધીમી પડેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ કાળજું કંપાવી દેનારા અકસ્માતમાં 5 લોકોના કરૂૂણ મોત નીપજ્યા છે, જ્યારે 34 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ એકસીડન્ટ શુક્રવારે સવારે સ્ટેફોર્ડ કાઉન્ટીમાં સાઉથબાઉન્ડ I-95 હાઇવે પર થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, હાઇવે પર આગળ સમારકામ ચાલતું હોવાના લીધે વાહનોની સ્પીડ ધીમી પડી ગઈ હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બસનો ડ્રાઇવર આગળનો ટ્રાફિક જોઈને સમયસર બ્રેક મારી શક્યો ન હતો. જેના કારણે બેકાબૂ બસે આગળ જઈ રહેલી એક પછી એક એમ કુલ છ ગાડીઓને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બધી ગાડીઓનો કુરચો બોલી ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ 5 કમનસીબ લોકો બસની અડફેટે આવેલી ગાડીઓમાં સવાર હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા 34 લોકોમાંથી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક ટક્કર બાદ પણ બસ ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે. પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે અને તેની સામે ગુનાહિત બેદરકારી બદલ કાયદેસરના આરોપો નક્કી કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના બાદ તુરંત જ રાહત અને બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. ’મેરી વોશિંગ્ટન હેલ્થકેર’ હોસ્પિટલમાં 19 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી સાત લોકોને ગંભીર હાલતમાં ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા હતા. હાલમાં ત્રણ લોકો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જ્યારે બાકીના સામાન્ય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *