ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બાદ વિરામ લીધો છે. 5 સ્ટેટ હાઈવે સહિત 425 રસ્તાઓ બંધ છે. 7,522 લોકોનું સ્થળાંતર કરાયું, 3,711 લોકોનું રેસ્ક્યુ થયું છે. રાજ્યના 206 ડેમમાંથી 5 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે 109 ડેમમાં 25%થી ઓછો જળસંગ્રહ છે. સરદાર સરોવર ડેમ 64% ભરાયો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આખરે મેઘરાજાએ વિરામ લીધો છે. શનિવારથી શરૂૂ થયેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી હતી અને જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે, ભારે વરસાદ છતાં રાજ્યના હજુ ઘણાં વિસ્તારો કોરા હોવાથી અડધાથી વધુ ડેમો ખાલી જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં કોઈ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ નથી, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે.
છેલ્લા અઠવાડિયામાં ખાબકેલા ભારે વરસાદને કારણે રાજ્યભરમાં વ્યાપક અસર જોવા મળી છે. ભારે વરસાદના કારણે 5 સ્ટેટ હાઈવે સહિત કુલ 425 રસ્તાઓ હજી પણ બંધ છે. છેલ્લા અઠવાડિયામાં 500થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા હતા. એસટી બસ સેવાના 73 રૂૂટની 266 ટ્રિપ ખોરવાઈ ગઈ છે, જ્યારે ટ્રેન સેવાઓને પણ અસર થઈ છે. ગામો અને શહેરો બેટમાં ફેરવાઈ જતાં તંત્ર દ્વારા 7,522 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 3,711 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
રાજ્યના કુલ 206 ડેમો પૈકી 5 ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થયા છે. પાણીની વિપુલ આવકને પગલે સુરક્ષાના ભાગરૂૂપે 11 ડેમોને ’હાઈ ઍલર્ટ’ પર, 4 ડેમોને ’એલર્ટ’ પર અને અન્ય 7 ડેમોને ’વોર્નિંગ’ કેટેગરીમાં રાખી નીચાણવાળા વિસ્તારોને સાવધ કરાયા છે. 17 ડેમોમાં 70% થી 100% પાણીનો જથ્થો છે, 21 ડેમોમાં 50% થી 70% અને 54 ડેમોમાં 25% થી 50% પાણી ઉપલબ્ધ છે. રાજ્યના 109 ડેમો એવા છે જેમાં હજુ પણ 25% કરતા ઓછો જળસંગ્રહ છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2,17,088 MCFT પાણીના સંગ્રહ સાથે ડેમ 64% જેટલો ભરાઈ ચૂક્યો છે. જ્યારે અન્ય 206 જળાશયોમાં હાલ 2,23,233 MCFT પાણી ઉપલબ્ધ છે, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 40.01% જેટલો જ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 24% વરસાદ નોંધાયો છે.
