જામનગર શહેરથી આશરે 10 કિલોમીટર દૂર, દરેડ ગામ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત દરેડ જીઆઇડીસીના અંદાજે 400 જેટલા ઉદ્યોગકારો હાલ ભારે નિરાશા અને આક્રોશની લાગણી અનુભવી રહ્યા છે. પોતાના જ એસોસિએશનના કથિત વિશ્વાસઘાત અને રાજકીય દાવપેચના કારણે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં જામનગર મહાનગરપાલિકા સામેનો મહત્વનો કેસ હારી ગયા છે. આ સમગ્ર મામલો વર્ષોથી ચાલતા ડબલ ટેક્સેશનના વિવાદ અને ઉદ્યોગકારોના સંગઠનમાં પડેલા ઊંડા મતભેદની આસપાસ ફરે છે.
દરેડ જીઆઇડીસી, જ્યાં મુખ્યત્વે બ્રાસપાર્ટ મેન્યુફેક્ચરિંગના આશરે 4200 જેટલાં નાના-મોટા એકમો આવેલા છે, તે જી.આઇ.ડી.સી. પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસિએશન હેઠળ કાર્યરત છે. આ એસોસિએશનમાં 1400 જેટલા સભાસદો છે અને તેની કારોબારીમાં 22 જેટલા સભ્યોનો સમાવેશ થાય છે. વર્તમાન પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા પર એકતરફી અને મનસ્વી રીતે નેતૃત્વ ચલાવવાનો આરોપ નારાજ ઉદ્યોગકારો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.
આ વિવાદના મૂળિયા વર્ષ 2013 માં નખાયા હતા, જ્યારે રાજકીય રીતે ઉદ્યોગોની આવક વધારવાના આશયથી જામનગર શહેરની હદ વિસ્તારીને દરેડ જીઆઇડીસીને તેમાં સમાવી લેવાઈ હતી. આ નિર્ણયના પાંચ વર્ષ બાદ, 2018 માં, જામનગર મહાનગરપાલિકાએ દરેડ વિસ્તારના કારખાનેદારો અને પ્લોટધારકોને કોઈપણ જાતની પૂર્વ જાણ કે ગ્રામ્ય વિસ્તારને શહેરી હદમાં ભેળવ્યાની સૂચના આપ્યા વિના, તેમજ કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડ્યા વિના, 2013 થી 2018 સુધીના સમયગાળા માટે લાખો રૂૂપિયાના મિલકત વેરાના બિલો ફટકાર્યા હતા. આ અણધાર્યા બિલોથી ઉદ્યોગકારો સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે તેઓ પહેલેથી જ રોડ, રસ્તા, સફાઈ, પાણી અને કચરાના નિકાલ જેવી સુવિધાઓ માટે જીઆઇડીસીને નિયમિતપણે તમામ ટેક્સ અને વેરા ચૂકવી રહ્યા હતા. આથી, એક જ સુવિધા માટે બેવડો કર શા માટે ભરવો તેવો સવાલ ઉઠ્યો.
તે સમયે, ઉદ્યોગકારોએ જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના તત્કાલીન પ્રમુખ દિનેશભાઈ ચાંગાણીનો સંપર્ક કર્યો હતો. દિનેશભાઈ ચાંગાણીના નેતૃત્વ હેઠળ એસોસિએશને જામનગર મહાનગરપાલિકા સામે ગુજરાત હાઇકોર્ટમાં કાયદાકીય લડત આપી હતી. લાંબી દલીલો અને સુનાવણી બાદ, હાઇકોર્ટે ઉદ્યોગકારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને જામનગર મહાનગરપાલિકાની હાર થઈ હતી. મહાનગરપાલિકાએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જે કેસ હજુ પણ નિર્ણયની રાહ જોઈ રહ્યો છે.
જામનગર મહાનગરપાલિકાએ ફરીથી 2018 થી 2023 ના સમયગાળા માટે દરેડના પ્લોટ ધારકોને વેરાના બિલો મોકલ્યા. આ વખતે જ્યારે ઉદ્યોગકારો પોતાની ફરિયાદ લઈને જી.આઈ.ડી.સી. પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસિએશન પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં નેતૃત્વ પરિવર્તન થઈ ચૂક્યું હતું. નવા પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયાના શાસનમાં પરિસ્થિતિએ ઊંધો વળાંક લીધો. ડબલ ટેક્સની સમસ્યાના નિરાકરણ માટે કૌશલ્ય ભવન ખાતે સાંજે 7 વાગ્યે ઉદ્યોગકારો અને એસોસિએશનના 22 હોદ્દેદારો વચ્ચે એક મીટિંગ યોજાઈ હતી.
આ મીટિંગમાં પૂર્વ પ્રમુખના સમર્થકો દ્વારા જીઆઇડીસી વિસ્તારને નોટિફાઈડ એરિયા જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવતા એસોસિએશનના સંગઠનમાં મતભેદ સર્જાયા. નવા એસોસિએશનના મંત્રીએ આશ્ચર્યજનક રીતે જણાવ્યું કે જામનગર મહાનગરપાલિકા સાથે એમઓયુ (સમજૂતી કરાર) કરવાથી જ ઉદ્યોગકારોનું હિત સચવાશે. જે મહાનગરપાલિકા સામે જૂનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, તેની જ સાથે એમઓયુ કરી લેવાની વાતથી મીટિંગમાં ભારે વિવાદ થયો. આ વિવાદ એટલો વકર્યો કે બીજી મીટિંગમાં મારામારી અને ઝપાઝપી સુધી વાત પહોંચી ગઈ, અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ બોલાવવી પડી હતી.
આ ઘટનાક્રમથી નારાજ થયેલા લગભગ 400 જેટલા ઉદ્યોગકારોએ પોતાના હિતોના રક્ષણ માટે અલગ માર્ગ અપનાવ્યો. તેઓએ પૂર્વ પ્રમુખ દિનેશ ચાંગાણી અને વિષ્ણુ પાંભર ના માર્ગદર્શન હેઠળ ભેગા મળીને ગુજરાત હાઇકોર્ટમાં નવેસરથી કેસ દાખલ કર્યો.
આ કેસમાં ફરિયાદી ઉદ્યોગકારોએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેમના પોતાના જ એસોસિએશને તેમનો સાથ છોડી દીધો અને મહાનગરપાલિકા સાથે હાથ મિલાવી લીધા, જેના કારણે કોર્ટે તેમની દલીલો પર પૂરતું ધ્યાન આપ્યું નહીં. કોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ એવું અવલોકન કર્યું કે જો જીઆઇડીસીના એસો.ને (જેણે મહાનગરપાલિકા સાથે એમઓયુ કર્યું હોવાનું મનાય છે) કોઈ વાંધો નથી, તો આ 400 ઉદ્યોગકારોને શું સમસ્યા છે? આંતરિક વિખવાદ અને એસોસિએશનના કથિત પક્ષપલટાને કારણે આ 400 ઉદ્યોગકારો કેસ હારી ગયા.જોકે, આ પરાજયથી હતાશ થયા વિના, આ 400 ઉદ્યોગકારોએ હાર માની નથી. તેઓએ ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીને ન્યાય મેળવવા માટે મન બનાવી લીધું છે. આમ, દરેડ જીઆઇડીસીના ઉદ્યોગકારોનો સંઘર્ષ હજુ ચાલુ છે, અને આવનારો સમય જ બતાવશે કે તેમને ન્યાય મળે છે કે કેમ. આ સમગ્ર પ્રકરણ ઉદ્યોગકારોના સંગઠનમાં આંતરિક જૂથવાદ અને રાજકીય દખલગીરીના ગંભીર પરિણામો તરફ પણ ઈશારો કરે છે.
