રાજકોટ માંથી પકડાયેલ જીએસટી બિલીંગ કૌભાંડમાં એસઓજીએ વધુ 4 ની ધરપકડ કરી છે.જૂનાગઢ,રાણાવાવ અને ગોંડલના શખ્સની ધરપકડ બાદ આ પ્રકરણમાં કુલ આંક 17 થયો છે. રાજકોટ પોલીસે અલગ અલગ 15 પેઢી સામે ગુનો દાખલ કરી આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડનો દૌર શરુ કર્યો હતો. જેમાં પત્રકાર મહેશ લાંગાની પણ સંડોવણી ખુલી હતી.
ભગવતીપરામાં પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલીને બનાવટી ભાડા કરાર કરીને આ પેઢીના સંચાલકે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ 15 પેઢી સાથે બોગસ બીલીંગ કરીને સરકારને રૂૂ. 61.38 લાખનો ચૂનો ચોપડી દીધો હતો. આ મામલે રાજકોટ જીએસટી વિભાગના અધિકારીએ કરેલી ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખા ઇન્ચાર્જ અને એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજાની ટીમે તપાસ કરી પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢીના સંચાલક સહિતના તમામ સામે કાર્યવાહી કરી હતી. તપાસમાં આ કૌભાંડમાં ગુજરાતભરની આવી અનેક બોગસ પેઢીના નામ બહાર આવ્યા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ સેલ વિવિધ 15 પેઢી સામે ગુનો દાખલ કર્યો છે. રાજકોટના ભગવતીપરામાં બનાવટી ભાડાકરાર બનાવીને પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલી જીએસટીની ઓફિસમાં બોગસ બીલીંગ રજૂ કરીને આ 15 પેઢી સાથે ખોટા આર્થિક વ્યવહારો બતાવી સરકાર સાથે રૂૂ. 61.38 લાખની છેતરપિંડી કરી હતી. આ મામલે અગાઉ રાજકોટ,અમદાવાદ, ભાવનગર, કોટડાસાંગાણી,વેરાવળ સોમનાથ,ગાંધીનગર,મોરબી, મહેસાણા કડી સહિતના શહેરોમાં અલગ અગલ પેઢીના નામે બોગસ બીલ બનાવનાર 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
છેલ્લા એક માસથી ચાલતી આ તપાસમાં એસઓજીએ વધુ ચારની ધરપકડ કરી છે. જેમાં રાણાવાવના દિલીપ ટાંક,જૂનાગઢના વીમા એજન્ટ સુધીર રૈયાણી, ગોંડલના ઋષિ બાગથરીયા અને જૂનાગઢ ના રમેશ ભેટારીયાની ધરપકડ કરતા આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ ધરપકડનો આંક 17 એ પહોચ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ગોંડલનો ઋષિ બાગથરીયા અલગ અલગ પેઢીના નામના બોગસ બિલીંગ બનાવી આપતો હતો જેના બદલે ઋષિ બાગથરીયાને 2 થી 5 ટકા કમીશન મળતું હતું. આ પ્રકરણમાં હજુ પણ વધુ ધરપકડ થશે. બીજી તરફ આ મામલે જીએસટી બોગસ બિલ કૌભાંડ પ્રકરણનો રેલો મહેશ લાંગા સુધી પહોચ્યો હોય મહેશ લાંગાની પેઢીનું જ આ કારસ્તાન સામે આવતા પોલીસે મહેશ લાંગાનો જેલ માંથી કબજો પણ મેળવ્યો છે.
