તારાપુર હાઈવે ઉપર અકસ્માતમાં 4ના મોત, 5 ગંભીર

દાહોદના શ્રમિક પરિવારનો ટેમ્પો હાઈવે ઉપર ઉભેલા ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો આણંદ જિલ્લાના તારાપુર હાઇવે ઉપર આજે વહેલી સવાર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો…

દાહોદના શ્રમિક પરિવારનો ટેમ્પો હાઈવે ઉપર ઉભેલા ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો

આણંદ જિલ્લાના તારાપુર હાઇવે ઉપર આજે વહેલી સવાર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફતેપુરા ગામ પાસે આવેલા એક સીએનજી પંપ નજીક ઉભેલી ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલો મિની ટેમ્પો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 5 મુસાફરો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, મિની ટેમ્પોમાં સવાર તમામ લોકો દાહોદ પંથકથી મજૂરીકામ માટે જઈ રહ્યા હતા. વહેલી પરોઢે જ્યારે વાહન ફતેપુરા પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અથવા તો અંધારામાં ઉભેલી ટ્રક ન દેખાતા ટેમ્પો સીધો જ ટ્રકની પાછળના ભાગે ઘૂસી ગયો હતો. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટેમ્પોના ફુરચા ઉડી ગયા હતા અને મૃતકોના અંગો રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. આ કરૂૂણ ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં એક 5 વર્ષની માસૂમ બાળકી, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ મચી ગયેલી ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તારાપુરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્થાનિક રહેવાસીઓએ આ અકસ્માત બાદ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ચોક્કસ સ્થળ પર અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે. વારંવારની રજૂઆતો છતાં હાઈવે ઓથોરિટી દ્વારા અહીં કોઈ પણ પ્રકારના ’એક્સિડન્ટ ઝોન’ કે ચેતવણી દર્શાવતા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે આજે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ તારાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાલકની ઉંઘ અકસ્માતનું કારણ બની છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *