40.25 લાખનું સ્થળાંતર, 9.69 લાખ સરનામા પર મળ્યા નહીં, 3.81 લાખ ડબલ નામ નીકળ્યા
ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ ડ્રાફ્ટ મતદાર યાદી અનુસાર ગુજરાતમાં 4,34,70,109 મતદારો નોંધાયા છે. SIRની ઝંબેશ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 73,73,327 મતદારોના નામ મુસદ્દા મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. રાજ્યના ભૌગોલિક અને વસ્તીના આંકડા જોતા સૌથી વધુ નામ અમદાવાદ જિલ્લામાંથી દૂર કરવામાં આવ્યા છે. ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાં સરેરાશ દરેક બેઠક પર હજારો નામ કમી થયા છે. જયારે 9.69 લાખ મતદારો ગેરહાજર જણાયા છે તો 40.25 લાખ કાયમી સ્થળાંતર કરી ગયા છે . 3.81 લાખ ડબલ નામ દૂર કરાયા છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવેલી ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ આજ રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.
હવે તા.18મી જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.
મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવાના પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે, મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 33 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી, 50,963 BLO તથા 54,443 BLO તથા 30,833 જેટલા સ્વંય સેવકોની સક્રિય સહભાગિતા રહી છે.
રાજ્યના મતદારોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. મીડિયા, રાજકીય પક્ષો તથા અન્ય સંગઠનોનો પણ સહયોગ મળ્યો છે. જેના ફળ સ્વરૂૂપ નિયત સમયર્યાદામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા છે. આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા, નગરપાલિકાના અધિકારીઓ,કર્મચારીઓને પણ જોડવામાં આવ્યાં હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા SIR માં સહયોગ માટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના કમિશનરોને પણ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી છે.એટલે કે, SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
પ્રાથમિક મતદાર યાદીની પ્રસિધ્ધિમાં બહાર આવેલા આંકડા
– અવસાન પામેલા મતદારો- 18,07,278
– ગેરહાજર મતદારો- 9,69,662
– કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- 40,25,553
– બે જગ્યાએ નોંધાયેલા મતદારો- 3,81,470 હતા.
– અન્ય- 1,89,364 હતા.
– કુલ મતદારો – 4,34,70109
