તલગાજરડામાં 36 શિક્ષકો ‘ચિત્રકૂટ એવોર્ડ’થી સન્માનિત

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે મકરસંક્રાંતિના પવિત્ર અવસરે શિક્ષણ, સંસ્કાર અને સેવા ભાવનાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. પૂજ્ય મોરારીબાપુના વરદ્ હસ્તે તથા રાજ્યના…

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે મકરસંક્રાંતિના પવિત્ર અવસરે શિક્ષણ, સંસ્કાર અને સેવા ભાવનાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. પૂજ્ય મોરારીબાપુના વરદ્ હસ્તે તથા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના 36 શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને પ્રતિષ્ઠિત ‘ચિત્રકૂટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ કરાયેલા રાજ્યના દરેક જિલ્લાના એક-એક તેમજ નગરપાલિકા વિસ્તારના શ્રેષ્ઠ શિક્ષકો મળી કુલ 36 શિક્ષકોને તેમની ઉમદા અને સમર્પિત શૈક્ષણિક સેવાઓ બદલ સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શિક્ષકોની પાયાની કામગીરીને બિરદાવી હતી.

આ અવસરે તલગાજરડા ગામમાં નવનિર્મિત કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ પણ મોરારીબાપુ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. નૂતન શાળા વિદ્યાર્થીઓને અર્પણ થવા બદલ બાપુએ આનંદ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમને સંબોધતા પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તે આજીવન શિક્ષક જ બની રહે છે. દર વર્ષે અપાતા ‘ચિત્રકૂટ એવોર્ડ’ દ્વારા નિવૃત્ત તથા કાર્યરત શિક્ષકોના યોગદાનને સન્માનિત કરવામાં આવે છે, જે શિક્ષણ જગત માટે ગૌરવની વાત છે. આ અવસરે મહુવા તાલુકા શૈક્ષણિક સંમેલન યોજાયું હતું તેમજ મહુવા તાલુકાના 13 નિવૃત્ત શિક્ષકોને ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શીવાભાઈ ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, શિવકુંજ આશ્રમ અધેવાડાના પૂ. સીતારામબાપુ સહિતના પદાધિકારીઓ, શિક્ષકો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *