1 બેડ અને 2 બેડ હોલ કીચનના આવાસો સરકારે નિયત કરેલ દર મુજબ સંપૂર્ણ સુવિધા સાથે મળશે
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરમાં વધુ 3170 આવાસો ફાળવવાની જાહેરાત કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના માટે અનામત રાખવામાં આવેલ પ્લોટની યાદી મુજબ, 7 સ્થળની પસંદગી કરવામાં આવી છે અને આજે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ હોય ટૂંક સમયમાં શહેરના પ્રાઈમ લોકેશન ઉપર 1 અને 2 બેડ હોલ કીચનના આવાસો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જે ડ્રો પધ્ધતિથી અરજદારોને ફાળવવામાં આવશે તેમજ વેઈટીંગમાં અરજદારોને અગ્રતા આપવામાં આવશે તેમ આવાસ યોજના વિભાગમાંથી જાણવા મળેલ છે.
મનપાની આવાસ યોજના શાખામાં પ્રાપ્ત થયેલ વિગત મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દરેક મધ્યમ પરિવારને ઘરનું ઘર મળી રહે તે પ્રકારનું આયોજન કરી વધુમાં વધુ આવાસ બનાવવામાં આવે તેવી સુચના મહાનગરપાલિકાને આપતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 7 પ્લોટ ઉપર આવાસ યોજના બનાવવાની તૈયારી સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. આ વખતે પણ શહેરના પ્રાઈમ લોકેશન ઉપર આવાસો બનાવવામાં આવશે. પ્રાપ્ત થયેલ વિગતો મુજબ વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં રેલનગર, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, કસ્તુરી, પોપટપરા, સાધુવાસવાણી કુંજ, મટુકી રેસ્ટોરન્ટ વાવડી રોડ અને મવડી પાળ રોડ સહિતના લોકેશન ઉપર આવાસો બનાવવામાં આવશે.
સરકાર દ્વારા 1-2 અને 3 બેડના આવાસો ફાળવવા માટે સુચના અપાઈ છે. પરંતુ રાજકોટ શહેરમાં અગાઉ બનાવવામાં આવેલ 3 બેડ હોલ કીચનના આવાસો ફાળવવામાં તંત્રને નાકે દમ આવી જતાં તેમજ આ આવાસની કિંમતમાં પણ મોટો ઘટાડો કરવાની ફરજ પડતાં આ વખતે 1 બેડ અને 2 બેડ હોલ કીચનના આવાસો તૈયાર કરવામાં આવશે. તેમ આવાસ યોજના વિભાગમાંથી જાણવા મળેલ છે.
સ્થળ અને આવાસની સંખ્યા
રેલનગર 162
મટુકી વાવડી 880
મવડી પાળ રોડ 432
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે 140
કસ્તુરી વેસ્ટ ઝોન 688
પોપટપરા 360
સાધુવાસવાણી કુંજ રોડ 508
