રસ્તા વચ્ચે ઊભા કરી દેવાયેલા બે મંદિર અને દરગાહના દબાણ દૂર કરાયા
રાજકોટ શહેરમાં જાહેર રસ્તા ઉપર ખડકાયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ગત રાત્રે મહાનગરપાલિકા દ્વારા શહેરના રામાપીર ચોકથી રૈયાધાર તરફ જતાં રોડ ઉપર ગેકાયદેસર બાંધી લેવામાં આવેલ એક દરગાહ તથા બે મંદિરના દબાણ દૂર કરવામાં આવ્યા હતાં. કોઈ વિવાદ થાય નહીં તે માટે કોર્પોરેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાત્રીના સમયે બે મંદિર અને એક દરગાહના દબાણો દૂર કરાયા હતાં.
મંગળવારની મોડી રાત્રે રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) અને રાજકોટ શહેર પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું. આ કાર્યવાહીમાં વોર્ડ નંબર 1માં આવતા રૈયાધાર વિસ્તારમાં બનેલી એક દરગાહ અને બે મંદિરોને તોડી પાડવામાં આવ્યા હતા.
મહાનગર પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ધાર્મિક સ્થળો રસ્તામાં નડતરરૂૂપ હતા અને તેને દૂર કરવા માટે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ પણ તત્કાલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થળ પર હાજર હતી. ડિમોલેશનની આ કામગીરી મંગળવારે રાત્રે આશરે ત્રણ વાગ્યા સુધી ચાલી હતી અને ત્યારબાદ પૂર્ણ થઈ હતી. મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહીને નિયમિત પ્રક્રિયાનો ભાગ ગણાવવામાં આવી રહી છે, જે અંતર્ગત રસ્તામાં આવતા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવે છે.
બિલ્ડિંગ આગળ ધર્મસ્થળ ઊભુ કરવા પાછળનો ઈરાદો ચર્ચાસ્પદ
જાણકાર સુત્રોના કહેવા મુજબ 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ રામાપીર ચોકડીથી રૈયાધાર વિસ્તારમાં નવી બનેલી સોસાયટીઓને જોડતા રોડ ઉપર એક બિલ્ડરના નવા બની રહેલા બિલ્ડીંગની આગળ જ ધર્મસ્થળ ખડકી દેવામાં આવ્યું હતું અને આ સ્થળે ધાર્મિક સ્થળ ઉભુ કરવા પાછળનો હેતુ પણ ચર્ચાનો વિષય બનેલ છે. રાજકોટ શહેરમાં અનેક સ્થળે રસ્તાઓ વચ્ચે ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ધાર્મિક સ્થળો ઉભા કરી લોકોની આસ્થા સાથે રમત કરવામાં આવી રહી છે. ત્યારે કોર્પોરેશન આવા દબાણો પણ દૂર કરે તેવી માંગણી ઉઠવા પામી છે.
