ત્રણ સગીર સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો, બે શખ્સોએ બિભત્સ માંગણી કરી: 4 ઝડપાયા
તાલુકાના એક ગામની 14 વર્ષીય છાત્રા પર દુષ્કર્મના બનાવ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં આ બનાવમાં ત્રણ આરોપીઓએ વારફરતી હવસનો શિકાર બનાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે બાદ વધુ બે આરોપીઓએ શરીર સબંધ બાંધવાની માંગણી કરી પજવણી કરતા હોસ્ટેલમાં છાત્રા ગુમસુમ રહેવા લાગી હતી, જે બાબતે શિક્ષકે તેની માતાને જાણ કરતા પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી અને પોલીસે બે આરોપીની અટકાયત કરી અન્ય બે સગીર આરોપીઓ સામે જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે એક આરોપી હાથ લાગ્યો નથી.
માનકુવા પોલીસ મથકે ભોગ બનનાર સગીરાની માતાએ 22 વર્ષીય આરોપી સરફરાજ ખલીફા, 19 વર્ષીય આરોપી ઈજાજ ત્રાયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે. ગત મે મહિના દરમિયાન સગીર આરોપીએ છાત્રાના ભાઈને મારી નાખવાની ધમકી આપી ગામના મંદિર પાસે બોલાવી હતી. છાત્રા મળવા માટે ગઈ ત્યારે આરોપીએ છરી બતાવી તેનું અપહરણ કર્યું હતું અને મંદિર નજીક આવેલા ઓટલા પર બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો.
જેના સાતેક દિવસ બાદ આરોપી સરફરાજ ખલીફાએ સગીરાને એજ જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવના પાંચ મહિના બાદ દિવાળી વેકેશનમાં છાત્રા ઘરે આવી ત્યારે ત્રીજા આરોપીએ (સગીર વયનો) પણ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આરોપી ઈજાજ ત્રાયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીએ સગીરાનો અવાર નવાર પીછો કર્યો હતો અને શરીર સબંધ બાંધવાની માંગણી કરી છેડતી કરી હતી. એક બાદ એક પાંચેય આરોપીઓએ શોષણ કરતા છાત્રા હોસ્ટેલમાં ગુમસુમ રહેવા લાગી હતી. તેવામાં દીકરીને નાસ્તો આપવા માટે હોસ્ટેલ ગયેલા ફરિયાદીને આ મામલે શિક્ષકે વાત કરી હતી. જેથી ફરિયાદીએ પોતાની દીકરીને પૂછપરછ કરતા સમગ્ર આપવીતી જણાવી હતી.
સમગ્ર મામલે તપાસ કરનાર બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ.રાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,પોલીસે પોક્સો સહીતની કલમ તળે ગુનો દાખલ કરી આરોપી સરફરાજ અને ઈજાજની અટકાયત કરી લીધી છે. જ્યારે બે સગીર આરોપી સામે જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે એક આરોપી હજી પોલીસને હાથ ન લાગતા તેની ઉમર સહીતની વિગતો સામે નથી આવી જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
14 વર્ષની સગીરાને પાંચ આરોપીઓએ વારાફરતી બ્લેકમેઈલ અને ધાક ધમકી કરી હતી. સગીર આરોપીએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યા બાદ જાણે અન્ય ચાર આરોપીઓએ પણ સગીરાને હવસનો શિકાર બનાવવાનું નક્કી કરી લીધું હોય તેમ એક પછી એક સામે આવ્યા હતા. સતત પાંચ મહિના સુધી શારીરિક શોષણનો ભોગ બનેલી છાત્રાના માનસ પર તેની અસર દેખાઈ હતી. જોકે આરોપીઓએ પહેલાથી જ પ્લાનિંગ કરીને શિકાર બનાવી હતી કે કેમ, આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તે સહીતની વિગતો પોલીસની વધુ પૂછપરછ દરમિયાન સામે આવશે. હાલ પાંચેય આરોપીઓ સામે પોક્સો સહીતની ભારેખમ કલમો તળે ગુનો દાખલ કરાયો છે.
