ટાબરિયાઓએ રવિવારે ગામ ગાંડુ કર્યું, કોન્સ્ટેબલથી માંડી કલેકટર સુધીના આખો દિવસ ધંધે લાગ્યા
પાકિસ્તાની કેદી કાવડિયા ન હોવાથી રેલવે સ્ટેશનેથી જ ઝડપાયો, અન્ય સાત લીંબડી-વિરમગામથી પકડાયા, 4ની શોધખોળ
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા સરકારી બાળ સંરક્ષણ ગૃહ માંથી એક સાથે 11 જેટલા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ આરોપીઓ દીવાલ કૂદીને નાસી છૂટતા સમગ્ર પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ નાસી છૂટેલા કિશોરોમાં મધ્યપ્રદેશ, બિહાર, હરિયાણા ઉપરાંત સરહદ પારથી આવેલા એક પાકિસ્તાની કિશોરનો પણ સમાવેશ થાય છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરીને ગણતરીના કલાકોમાં જ સાત બાળકોને વિરમગામ, નળસરોવર, બોટાદ, લીંબડી અને રાજકોટ નજીકથી લોકેટ કરી જડપી લીધા હતાં.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ કોઈ અચાનક બનેલી ઘટના નથી પરંતુ હત્યા,દુશ્ક્મ અને લુંટ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા સાતીર દિમાગના બાળ આરોપીઓ દ્વારા ખૂબ જ સુઆયોજિત રીતે ઘડવામાં આવેલું એક મોટું કાવતરું હતું. શનિવારે સવારે આ બાળ આરોપીઓએ ઓબ્ઝર્વેશન હોમ પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી હતી જેથી તેમની ગતિવિધિઓ કેદ ન થઈ શકે. ત્યારબાદ રવિવારે સવારે આયોજનબદ્ધ રીતે એક બાળ આરોપીએ પોતાના જ હાથ પર બ્લેડના ઘા મારીને ઈજા પહોંચાડી હતી. આ ઈજાગ્રસ્ત બાળકને સારવાર ચાલુ હતી ત્યારે 3 બાળ આરોપીએ ગ્રીલ તોડી જેનો લાભ લઈ 11 બાળ આરોપી ફરાર થવામાં સફળ રહ્યા હતાં.
ઘટના સમયે રાજકોટ ગોંડલ રોડ સ્થિત આ બાળ સંરક્ષણ ગૃહમાં કુલ 54 બાળકો આશ્રય લઈ રહ્યા હતા, જેમાંથી 11 બાળકો ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાને પગલે સંસ્થાની આંતરિક સુરક્ષા અને મોનિટરિંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા થયા છે. રવિવારે સવારે બનેલી આ ઘટના અંગે તુરંત જ કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિત ઝોન-2ના ડીસીપી રાકેશ દેસાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ બાળ સંરક્ષણ ગૃહમાં બાળ આરોપીઓ પાસે બ્લેડ અને પથ્થર જેવા હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં પણ હવે કડક તપાસ શરૂ કરવામાં આવી છે.
નાસી છૂટેલા 11 બાળકોમાં એક 17 વર્ષનો પાકિસ્તાની કિશોર પણ સામેલ હતો, જે અગાઉ સરહદ ઓળંગીને ભારતમાં પ્રવેશતા પકડાયો હતો અને અદાલતી કાર્યવાહી હેઠળ છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવ્યો હતો. આ પાકિસ્તાની કિશોરને ઓબ્ઝર્વેશન હોમમાંથી મુક્ત થઈને મુંબઈ જવું હતું, આથી તેણે અન્ય 10 સ્થાનિક બાળ ગુનેગારો સાથે મળીને આ ભાગવાનો પ્લાન ઘડ્યો હતો. જો કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસની સજાગતાને કારણે જીપીએસ ટ્રેકિંગ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પાકિસ્તાની કિશોર સહિત કુલ છ બાળકોને દબોચી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના પાંચ બાળકોને શોધવા અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે.
ફરાર થયેલા ચાર બાળ આરોપીને પકડવા કચ્છ અને અમદાવાદ ટીમ રવાના
પોલીસ તપાસ માં જાણવા મળતી વિગતો મુજબ નાસી છૂટેલા આ તમામ બાળકોની ઉંમર 14 થી 17 વર્ષની વચ્ચેની છે. પરંતુ આ ઉંમરે પણ તેઓ ગંભીર ગુનાહિત માનસિકતા ધરાવે છે. આ બાળકો સામે ખૂન , ખૂનની કોશિશ , લૂંટ , વાહન ચોરી અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ બાળકો અગાઉ રાજકોટ, અમદાવાદ, વડોદરા ઉપરાંત બિહાર અને હરિયાણામાં ગુના આચરી ચૂક્યા છે. ફરાર થયેલા પાંચ બાળ આરોપીઓને પકડવા રાજકોટ ક્રાઈમ બ્રાંચ,એસઓજી,એ ડીવીઝન, એલસીબીની અલગ અલગ ટીમ હાલમાં રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેન્ડો અને હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટનામાં ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે અને બાકીના પાંચ કિશોરોને પણ ટૂંક સમયમાં જ ઝડપી પાડવામાં આવશે.
