શહેરના ઢેબર રોડ પરથી પોલીસે બાતમીના આધારે ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 264 બોટલ દારૂ સહિત કુલ રૂા.1.80 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ એસ.એચ.ગોહીલ, હેડ કોન્સ્ટેબલ મયુરદાન બાટી, કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન ઢેબર રોડ પર પૂનમ ફર્નિચર વાળી શેરીમાં ઇન્દ્રલોક એપાર્ટમેન્ટ પાસે ત્રણ શખ્સો સીએનજી રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રીક્ષા ચાલક ફરીદ ફીરોજભાઇ ગોરી (રહે. સિડવાય નગર, રૈયા રોડ), વિક્રમ ડાયાભાઇ સોલંકી (રહે. સેડલા ગામ, થરાદ) અને પંકજ રમેશભાઇ રાઠોડ (રહે. દિયોદર ગામ, થરાદ)ને ઝડપી લઇ રીક્ષામાં રહેલી સુટકેસ અને થેલો ચેક કરતા તેમાંથી વિદેશી દારૂના અલગ અલગ કંપનીના ચપલા નં.264 કિ.79,200 મળી આવતા પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી દારૂ અને રીક્ષા મળી કુલ રૂા.1,79,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ઝડપાયેલા ત્રણેય શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો કોની પાસે લાવ્યા અને કોને આપવાનો હતો. તે સહિતની બાબતે પૂછપરછ હાથ ધરી છે.
