રાજકોટના ઓટો બ્રોકર સાથે હિટાચી મશીનની ખરીદીના બહાને 29.51 લાખની ઠગાઇ

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા ભાગીદારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલના મોટા દડવા ગામના રહેવાસી…

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા ભાગીદારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલના મોટા દડવા ગામના રહેવાસી જયેશભાઈ હમીરભાઈ જાદવે આ મામલે ગાંધીનગરના ધૃવકુમાર રમેશભાઈ પટેલ અને તેના મિત્ર ગઢવી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ શખ્સોએ હ્યુંડાઈ હાઈડ્રોલિક એક્સકેવેટર મશીન ખરીદવાના બહાને ફરિયાદી અને તેના ભાગીદારોને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની રકમ ન ચૂકવી મશીન ત્રીજી વ્યક્તિને વેચી મારી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદની વિગતો મુજબ, જયેશભાઈ અને તેમના ભાગીદારોએ હાર્દિક જાદવના નામે રૂ. 34 લાખમાં ખરીદેલું હ્યુંડાઈ એક્સકેવેટર (મોડલ 2021) વેચવા માટે ફેસબુક પર જાહેરાત મૂકી હતી. આ જાહેરાત જોઈ આરોપી ધૃવકુમારે સંપર્ક કર્યો હતો અને લાપસરી ગામે રૂબરૂ મશીન જોઈ રૂ. 34,51,000 માં સોદો નક્કી કર્યો હતો. આ અંગે રાજકોટમાં નોટરી કરાર પણ કરવામાં આવ્યો હતો, જેમાં નક્કી થયા મુજબ આરોપીઓએ રૂ. 7,51,000 બાના પેટે આપવાના હતા અને બાકીના રૂ. 27,00,000 તારીખ 10/02/2026 સુધીમાં ચૂકવવાના હતા. જો રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો મશીન પરત કરવાનું પણ કરારમાં સ્પષ્ટ લખાયેલું હતું.

આરોપીઓએ બાનાની રકમ પૈકી માત્ર રૂ. 5,00,000 અલગ-અલગ બેંક ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ બાકીના રૂ. 2,51,000 ચૂકવ્યા નહોતા. કરાર મુજબની 40 દિવસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ બાકી નીકળતા રૂ. 27,00,000 ચૂકવવામાં આવ્યા નહોતા. જ્યારે ફરિયાદીએ પોતાના મશીનની ઉઘરાણી કરી, ત્યારે જાણવા મળ્યું કે આરોપીઓએ આ મશીન મહારાષ્ટ્રના ગણેશ નામના વ્યક્તિને વેચી દીધું છે.
આમ, આરોપીઓએ પ્રથમથી જ છેતરપિંડી કરવાના ઈરાદે ખોટા વાયદા કરી ફરિયાદીના પૈસા કે મશીન પરત ન આપી ગુનાહિત કાવતરું રચ્યું હતું.

આ બનાવ અંગે જયેશભાઈ જાદવની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે ધૃવકુમાર રમેશભાઈ પટેલ (રહે. મોટા ચિલોડા, ગાંધીનગર) અને તેના મિત્ર ગઢવી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 318(3), 318(4) અને 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *