ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)ની એક જગ્યા અને ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની ત્રણ જગ્યાઓ તથા હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1)ની 45 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ત્રણેય જાહેરાતો અન્વયેની લેખિત પરીક્ષા તા. 23 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર છે. કોલ લેટર તા. 17 ઓગસ્ટથી ડાઉનલોડ કરવાનું શરૂૂ થયું છે અને ત્રણેય પરીક્ષાના મળીને આશરે 25 હજાર ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે.
એમસીક્યુ પદ્ધતિથી લેવાનાર આ પરીક્ષાઓમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષા સવારે 9.30થી 12.30 વાગ્યા સુધી 200 પ્રશ્નો સાથે યોજાશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની પરીક્ષા પણ સવારે 9.30થી 12.30 વાગ્યા સુધી 210 પ્રશ્નો સાથે લેવાશે, જ્યારે હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1)ની પરીક્ષા બપોરે 3થી 6 વાગ્યા સુધી 210 પ્રશ્નો સાથે યોજાશે. ક્વોલિફાય થવા માટે પાર્ટ-એ અને પાર્ટ-બીમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવવા જરૂૂરી છે. દરેક પ્રશ્નનો એક ગુણ છે અને માઇનસ પદ્ધતિ અમલમાં છે.
પરીક્ષા પારદર્શક અને ગેરરીતિ વગર યોજાય તે માટે 1100થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ તથા 1500 જેટલા શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર પીઆઈ કક્ષાના અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરાયા છે. ફેસિયલ રિકગ્નિશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષા સામગ્રી માટેના તમામ વાહનોને જીપીએસ મારફતે ટ્રેક કરીને રાજ્ય ભરતી કંટ્રોલ રૂૂમમાંથી મોનિટરિંગ કરવામાં આવશે. બોર્ડ દ્વારા મલ્ટિપલ સિક્યુરિટી લેયર્સ અને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરવાના બાકી છે તેઓને સમયસર ડાઉનલોડ કરી લેવા અને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી જવા વિનંતી કરવામાં આવી છે.
