રાષ્ટ્રીય, રાજ્ય અને રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે રાજકોટ સહિત જિલ્લાની તમામ કોર્ટેમાં યોજાયેલી રાષ્ટ્રીય મેગા લોક- અદાલતમાં મૂકવામાં આવેલા જુદા જુદા ક્ષેત્રોના સમાધાનયોગ્ય કેસો પૈકી બપોર સુધીમાં 25% જેટલા કેસોમાં સમાધાન સાધવામાં સફળતા મળી હોવાનું અનુમાન છે, જેમાં અકસ્માત વળતરના કેટલાંક કેસોમાં કરોડો રૂૂપિયાનું વળતર મંજૂર કરાયું છે. હજી સાંજ સુધી લોક અદાલત ચાલુ હોય સમાધાન થયેલા કેસોની ટકાવારી 55%થી વધૂ થવાની શક્યતા હોવાનું કહેવાય છે.
રાજકોટ જિલ્લા મથકની અદાલતમાં આજે સવારે રાષ્ટ્રીય મેગા લોક અદાલત પુર્વે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જ્જ વી. બી. ગોહિલના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાનૂની સેવા સત્તા મંડળના સચિવ કે.એમ. ગોહિલ, કોર્ટ મેનેજર હમીરભાઈ છતરીયા, વિવિધ અદાલતોના જ્યુડિશિયલ ઓફિસર્સ, બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ સહિતના હોદ્દેદારો, કારોબારી સભ્યો, એમએસીપી બારના પ્રમુખ અજયભાઈ જોષી, સિનિયર જુનિયર વકીલો અને કોર્ટ સ્ટાફ, વીમા કંપનીઓ, બેંકો, પીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ જુદી જુદી કોર્ટમાં લોક-અદાલતની કાર્યવાહી શરૂૂ થઈ હતી, તેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ એકટની કલમ-138 (ચેક રિટર્ન અંગેના કેસો) હેઠળના કેસો, બેન્ક લેણાના કેસો, અકસ્માત વળતરને લગતા કેસો, લગ્નવિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેક્ટ્રીસિટી તથા પાણીના બિલોને લગતા કેસો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) સહિતના અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં દાખલ થાય તે પહેલાં (પ્રિલિટિગેશન)ના કેસોના સમાધાનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં બપોર સુધીમાં 25 ટકાથી વધુ કેસોમાં સમાધાન સાધવામાં સફળતા મળી હતી.
આ ઉપરાંત વિવિધ બેંકો, પીજીવીસીએલ, મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરેના લેણાના પુષ્કળ કેસોમાં સમાધાન સધાયા હતા, ટ્રાફિકના ઈ મેમોના કેસોમાં પણ સ્થળ ઉપર વસુલાત મેળવી આવા કેસો ફેસલ કરવામાં આવ્યા હતા. આ લોક અદાલત બપોર બાદ પણ ચાલુ રહેનાર હોય સમાધાનના કેસોની સંખ્યા 55%થી થવાની શક્યતા હોવાનું મનાય છે.
