સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. જન્મજયંતિની ઉજવણીના ભાગરૂૂપે વીરપુરમાં ઠેર ઠેર સેવા ભાવી યુવાનો દ્વારા વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વીરપુરના ચામુંડા ચોક ખાતે જલારામ યુવા ગ્રૂપ દ્વારા રાત્રિના બરાબર 12 વાગ્યે પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી ઉતારી તેમજ 227 કિલોની વિશાળ કેક કાપીને જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આતશબાજી કરાઇ હતી.
આ પ્રસંગે ચામુંડા ચોક ખાતે મોટી સંખ્યામાં વીરપુરવાસીઓ તેમજ દર્શનાર્થે આવેલા ભાવિક ભક્તો એકત્રિત થયા હતા. જલારામ બાપાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સૌપ્રથમ પૂજ્ય જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી, ત્યારબાદ 227મી જન્મજયંતિના પ્રતીકરૂૂપે 227 કિલોની વિશાળ કેકના ટુકડા ગોઠવીને કેક કાપવામાં આવી હતી. કેક સેલિબ્રેશન બાદ ઉપસ્થિત ભક્તજનોને કેકના ટુકડા પ્રસાદી સ્વરૂૂપે વિતરણ કરવામાં આવ્યા હતા.
જન્મજયંતિની આ અનોખી ઉજવણીને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. કેક સેલિબ્રેશન બાદ ભવ્ય આતશબાજી અને ફટાકડા ફોડી ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિને લઈને વીરપુરમાં ઠેર ઠેર ભક્તિમય માહોલ છવાયો છે. સેવા, સમર્પણ અને માનવતાનો સંદેશ આપનાર જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે યુવાનો દ્વારા કરવામાં આવેલી આ અનોખી ઉજવણી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે વીરપુરના ગ્રામજનો દ્વારા પોતાના ઘરના આંગણે અવનવી અને આકર્ષક રંગોળીઓ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્રને દર્શાવતી રંગોળીઓ તેમજ બાપાની આબેહૂબ પ્રતિકૃતિઓ રંગોળી દ્વારા કંડારવામાં આવી છે. સ્થાનિક મહિલાઓએ ખૂબ જ ભાવપૂર્વક અને કલાત્મક રીતે રંગોળીઓ બનાવીને બાપા પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી છે.
આ ઉપરાંત સમગ્ર વીરપુર ગામને ફૂલહાર, આસોપાલવના તોરણો અને રંગબેરંગી શણગારથી સુશોભિત કરવામાં આવ્યું છે. ગામના દરેક ઘરના આંગણે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર દિવાળીના પર્વે તો સૌ કોઈ રંગોળી કરતા હોય છે, પરંતુ જલારામ બાપાની જન્મજયંતિ વીરપુરવાસીઓ માટે દિવાળી સમાન પવિત્ર અને આનંદનો અવસર છે. જન્મજયંતિના વધામણાં કરવા ગ્રામજનો દ્વારા ફટાકડા ફોડી અને ભવ્ય આતશબાજી કરવામાં આવી રહી છે.
