ઉનાના દાંડી ગામે 22 દિવસના લગ્ન જીવનનો અંત, પરિણીતાનો આપઘાત

ઉના તાલુકાના દાંડી ગામે 22 દિવસ પહેલા પરણેલી એક યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતક યુવતીના પતિ દ્વારા ત્રાસ આપી માર મારવામાં આવતો હોવાના…

ઉના તાલુકાના દાંડી ગામે 22 દિવસ પહેલા પરણેલી એક યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતક યુવતીના પતિ દ્વારા ત્રાસ આપી માર મારવામાં આવતો હોવાના આરોપસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, દેલવાડા ગામના મુકેશભાઈની મોટી પુત્રી પ્રજ્ઞાબેનના લગ્ન ગત 22 ફેબ્રુઆરીના રોજ દાંડી ગામના કમલેશભાઈ મજેઠીયા સાથે થયા હતા. લગ્નને હજુ 22 દિવસ જ થયા હતા.
લગ્ન બાદ પ્રજ્ઞાબેન 10 દિવસ તેમના માતા-પિતાના ઘરે રોકાયા હતા. તેમના પિતા મુકેશભાઈની તબિયત સારી ન હોવાથી તેઓ દેલવાડા આવ્યા હતા. આ દરમિયાન ત્રણ દિવસ પહેલા તેમના પતિ કમલેશ દેલવાડા આવ્યા હતા અને પ્રજ્ઞાબેન સાથે ઝઘડો કરીને તેમને દાંડી લઈ ગયા હતા.

આરોપ છે કે કમલેશ તેમની પત્ની પ્રજ્ઞાબેનને વારંવાર મારઝૂડ કરતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને પ્રજ્ઞાબેને ગત મોડી રાત્રે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા બાદ પ્રજ્ઞાબેનને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જેબલીયા દાંડી પહોંચી ગયા હતા અને તપાસ શરૂૂ કરી હતી.

મૃતક પરણિતાના ભાઈએ તેમની બહેનને મરવા મજબૂર કરનાર પતિ કમલેશ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઇગજની કલમ 108 હેઠળ ગુનો નોંધી આરોપી કમલેશની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લગ્નના માત્ર 22 દિવસમાં જ આ દુ:ખદ ઘટના બનતા મૃતક પ્રજ્ઞાબેનના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *