ખેતમજૂરની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનારને 20 વર્ષની સખત કેદ

જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતે જામજોધપુર તાલુકાના ઉદેપુર ગામની સગીરા પર દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ…

જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતે જામજોધપુર તાલુકાના ઉદેપુર ગામની સગીરા પર દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ પીડિત સગીરાને સરકારની વળતર યોજના હેઠળ રૂૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

કેસની હકીકત મુજબ, જામજોધપુર તાલુકાના ઉદેપુર ગામમાં રહેતા એક મજૂર પરિવારની સગીર પુત્રી સાથે આરોપી ભરત રાજાભાઈ સાગઠીયા પણ ખેતમજૂરી કામ કરતો હતો. ઓળખાણનો લાભ લઈ આરોપીએ આશરે ત્રણ વર્ષ પહેલાં સગીરાને રાત્રિના સમયે લલચાવી-ફોસલાવી ગેરકાયદેસર રીતે ભગાડી લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

આ અંગે સગીરાના પિતાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો અધિનિયમ તથા અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ આરોપીની ધરપકડ કરી તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ત્યારબાદ કેસ જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલ્યો હતો. સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ એમ. પી. જાનીએ 10 સાક્ષીઓની જુબાની અને 24 દસ્તાવેજી પુરાવા રજૂ કરી અસરકારક દલીલો કરી હતી. સરકાર પક્ષની દલીલો, સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈને અદાલતે આરોપી ભરત રાજાભાઈ સાગઠીયાને ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. અદાલતે પોક્સો અધિનિયમની કલમ 4 હેઠળ 10 વર્ષની સખત કેદ અને રૂૂ. 5 હજારનો દંડ તેમજ પોક્સો અધિનિયમની કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઉપરાંત પીડિત સગીરાને સરકારની વળતર યોજના હેઠળ રૂૂ. 4 લાખ ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ એમ. પી. જાનીએ સફળતાપૂર્વક કેસની કાર્યવાહી હાથ ધરી હતી.

છેડતી અને પતિ પર હુમલાના કરનારને 1 વર્ષની કેદ
જામનગરના દિગ્વિજય વૂલન મિલ રોડ પર આવેલા યાદવનગર વિસ્તારમાં રહેતી એક પરપ્રાંતીય પરિણીતા તા. 6 જુલાઈ, 2022ના રોજ મંદિરેથી પરત ફરી રહી હતી. તે દરમિયાન આનંદ સોસાયટીમાં રહેતો મની પાનીકર ઉર્ફે સોનુ સુકદાન પાનીકર (ઉ.વ. 34) મહિલાનો પીછો કરી તેની ચુંદડી પકડી છેડતી કરી હતી. મહિલાએ પોતાના પતિને જાણ કરતાં તેઓ આરોપીને સમજાવવા ગયા હતા. તે સમયે આરોપીએ દંપતીને ગાળો આપી પતિ સાથે મારામારી કરી હતી તેમજ પથ્થર વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે દલીલ કરી હતી કે આરોપીએ મહિલાની લાજ ભંગ કરવાના ઈરાદાથી જાતીય સતામણી કરી હતી અને પત્નીની રક્ષા માટે વચ્ચે પડેલા પતિ પર હુમલો કર્યો હતો. તેથી આરોપીને કડક સજા થવી જોઈએ.
સરકાર પક્ષની દલીલો અને પુરાવાઓને માન્ય રાખી અદાલતે આરોપી મની પાનીકર ઉર્ફે સોનુ સુકદાન પાનીકરને એક વર્ષની સખત કેદ અને રૂૂ. 2 હજારનો દંડ, કલમ 354(એ)(1) હેઠળ છ મહિનાની કેદ અને રૂૂ. 1 હજારનો દંડ તેમજ કલમ 323 હેઠળ ત્રણ મહિનાની કેદની સજા ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *