અબડાસાના 19 ખેડૂત સાથે રૂા.47.13 લાખની ઠગાઇ

અબડાસામાં ઘઉંનો મબલક પાક થયો, પરંતુ ટેકાના ભાવની ખરીદી ન થતાં લેભાગુઓ સક્રિય બન્યા હતા અને ખેડૂતો પણ પોતાનો પાક વેચવા તૈયાર થઇ ગયા હતા.…

અબડાસામાં ઘઉંનો મબલક પાક થયો, પરંતુ ટેકાના ભાવની ખરીદી ન થતાં લેભાગુઓ સક્રિય બન્યા હતા અને ખેડૂતો પણ પોતાનો પાક વેચવા તૈયાર થઇ ગયા હતા. આવા જ અબડાસાના 19 ખેડૂતનો વિશ્વાસ સંપાદિત કરી ત્રણ લાખ કિલો જેટલા ઘઉં લઇ બારોબાર વેચી મારી કુલે રૂૂા. 47,13,074ની બે શખ્સે ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

જખૌ પોલીસ મથકે વાંકુના ખેડૂત જગદીશસિંહ શિવુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી રમેશ મુજીરામ ઉર્ફે રામજી (મૂળ ધાકલી તા. સાસનગર, જિલ્લો મોહાલી, પંજાબ હાલે નલિયા) તથા ભગુભા પાંચુભા જાડેજા (ખીરસરા કોઠારા)એ વાંકુ, વિંગાબેર તથા ફુલાયવાંઢ ગામના અલગ-અલગ ખેડૂતોની વાડીએ તા. 23-3-26થી 10-4-26 સુધી અલગ-અલગ સમયે જઇ કુલ 19 ખેડૂતનો વિશ્વાસ સંપાદિત કરી કુલ ઘઉં 2,96,194 કિલો જેની એક કિલો ઘઉંની કિં. રૂૂા. 21 લેખે એમ કુલે રૂૂા. 62,20,074 રકમમાંથી ખેડૂતોને વેપારી પર વિશ્વાસ ટકી રહે તે હેતુથી બન્ને આરોપીએ અલગ-અલગ ખેડૂતોને રૂૂપિયા 15,07,000 જેટલી રકમ સોદા પેટે આપી હતી.

આ બાદ આ બન્ને આરોપીએ ખેડૂતોની બાકી નીકળતી રકમ નહીં આપી, ખેડૂતોની મહેનતની કમાણીના રૂૂપિયા બારોબાર લઇ બન્ને જણ ભુજ મધ્યે ઘઉંનું વેચાણ કરી રૂૂપિયા લઇને પોતાના મોબાઇલ સ્વિચઓફ કરી ઓફિસો બંધ કરી રફૂચક્કર થઇ ગયાની વિગતો ફરિયાદમાં નોંધાવી છે. પોલીસે બન્ને વિરુદ્ધ ઠગાઇનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.

રાપરમાં ત્રણ બુકાનીધારીનો આતંક, છરીની અણીએ 2.51 લાખની લૂંટ
રાપરમાં વાઘેલાવાસ રામ મંદિરની બાજુમાં રહેતા એક આધેડનાં ઘરમાં ઘૂસી બુકાનીધારી અને હેલ્મેટ પહેરીને આવેલા ત્રણ લૂંટારુએ છરીની અણીએ રોકડ રકમ, દાગીના એમ કુલ રૂૂા. 2,51,600ની મતાની લૂંટ કરી નાસી ગયા હતા. લૂંટના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. રાપરના વાઘેલાવાસ રામ મંદિરની બાજુમાં રહેતા નિતેશ નૂરઅલી ખોજાનાં ઘરમાં ગત મોડીરાત્રે આ બનાવ બન્યો હતો. અહીં એકલા રહેતા આ આધેડની બંને પગની નસો સુકાઇ ગઇ હોવાથી તે ચાલી શકતા નથી. ગઇકાલે રાત્રે તેમના ભાણેજ ટિફિન આપી ગયા હતા, બાદમાં ભાણેજ મુસ્તફા અને ઉમરશા આવ્યા હતા, જેને સાડા બારેક વાગ્યા સુધી તેમની પાસે બેસી વાતો કરી હતી અને બાદમાં ઘરે જતા રહ્યા હતા. આધેડ ડેલીમાં પલંગ રાખી ત્યાં જ સૂઇ ગયા હતા, ત્યારે દોઢેક વાગ્યે કોઇએ તેમને જગાડતાં તે જાગી ગયા હતા. ત્યારે ત્યાં 20થી 30 વર્ષીય ત્રણ અજાણ્યા શખ્સ નજરે પડયા હતા. આ શખ્સો પૈકી બે લૂંટારુએ હેલ્મેટ પહેર્યું હતું અને મોઢે રૂૂમાલ બાંધેલા હતા તેમજ એક શખ્સે મફલર બાંધ્યું હતું. આ શખ્સોએ ગુજરાતીમાં ગાળો આપી આધેડની ગરદન ઉપર છરી રાખી મોઢે ડૂમો આપી દીધો હતો અને જે હોય તે કાઢી દેવાનું કહ્યું હતું. આધેડ છોડાવવા જતાં તેમના હાથમાં છરીનો ઘસરકો થયો હતો. આ શખ્સોએ મુક્કા મારી તેમણે હાથમાં પહેરેલી સોનાની પાંચ વીંટી, ચાંદીની લકી તથા મોબાઇલ અને રોકડ રૂૂા. 20,000ની લૂંટ કરી હતી અને દોડીને ડેલી ખોલી નાસી ગયા હતા. રૂૂા. 2,51,600ની મતાની આ લૂંટનો બનાવ પ્રકાશમાં આવતાં સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી. ચાલી ન શકતા આધેડનાં ઘરમાં ઘૂસી છરીની અણીએ અઢી લાખની મતાની આ લૂંટના કારણે ભારે ચકચાર પ્રસરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *