બે મહિના પતિ-પત્નીની જેમ સાથે રહ્યા બાદ યુવકે કાઢી મૂકતા યુવતીએ ભર્યુ પગલું; શારીરિક શોષણના આક્ષેપો કર્યા
રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂૂ થયેલા પ્રેમસંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. શહેરના બાબરીયા આવાસ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતી શીતલ (નામ બદલેલ છે) એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિવારજનો દ્વારા યુવતીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. કમનસીબ યુવતીના પરિવારની વાત કરીએ તો તે પોતાના ભાઈ-બહેનમાં સૌથી નાની છે અને તેના પિતા પણ હયાત નથી, જેથી માતા પર આભ તૂટી પડ્યું છે. આ આત્મઘાતી પગલાં પાછળ પ્રેમમાં મળેલા દગાની કહાની સામે આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતીને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કુવાડવા રોડ, ડી-માર્ટ પાસે આવેલા ક્વાર્ટરમાં રહેતા 22 વર્ષીય યુવક ઓમ ચંદ્રેશભાઈ નકુમ સાથે સંપર્ક થયો હતો. આ સંપર્ક ધીમે-ધીમે પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો. પ્રેમસંબંધ એટલો ગાઢ બન્યો કે છેલ્લા બે મહિનાથી બંનેએ એક રૂૂમ ભાડે રાખીને પતિ-પત્નીની જેમ સાથે રહેવાનું શરૂૂ કર્યું હતું. જોકે, છેલ્લા 15 દિવસથી ઓમ નકુમે યુવતીને ઘરમાંથી કાઢી મુકતા તે મજબૂર થઈને પોતાની માતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.આ દરમિયાન યુવતીએ વારંવાર ઓમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઓમે તેને રાખવાની કે બોલાવવાની સાફ ના પાડી દીધી હતી.
અંતે કોઈ રસ્તો ન સૂઝતા તેણે પોતાના ઘરે જ ફીનાઇલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલના બિછાને રહેલી યુવતીએ પ્રેમી ઓમ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેનું શારીરિક શોષણ પણ કરવામાં આવ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે હાલ યુવતીના નિવેદનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવતી દ્વારા કરવામાં આવેલા શારીરિક શોષણના આક્ષેપો કેટલા સાચા છે અને કેટલા ખોટા, તે તમામ પાસાઓ પર પોલીસે ઝીણવટભરી કાયદાકીય તપાસ શરૂૂ કરી છે.
