પત્નીએ છૂટાછેડા માટે 20 લાખ રોકડા અને 5 તોલા સોનું માગણી કરતા પતિએ ફીનાઈલ પીધું

શહેરના ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવકે કૌટુંબિક વિખવાદ અને પત્નીના માનસિક ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા…

શહેરના ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવકે કૌટુંબિક વિખવાદ અને પત્નીના માનસિક ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હર્ષદભાઈ લવજીભાઈ અમરેલીયા (ઉં.વ. 36) નામના યુવકે ગત રાત્રિના અંદાજે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ફીનાઈલ પી લીધું હતું.

ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. હર્ષદભાઈ વ્યવસાયે ડ્રાઈવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને સંતાનમાં તેમને એક દીકરી તથા એક દીકરો છે.આ ઘટના પાછળનું મુખ્ય કારણ પત્ની સાથેનો લાંબા સમયનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. હર્ષદભાઈના લગ્ન જીવનમાં છેલ્લા દોઢ વર્ષથી ભંગાણ પડ્યું છે અને તેમની પત્ની ભૂમિ હાલ કોઠારીયા રોડ પર આવેલા તેના પિતા પરેશભાઈ પાંચાણીના ઘરે રિસામણે બેઠી છે. હર્ષદભાઈના આક્ષેપ અનુસાર, તેમની પત્નીને અન્ય પુરુષ સાથે આડાસંબંધો હોવા છતાં, તે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે હર્ષદભાઈ પાસે છૂટાછેડાના બદલામાં આકરી શરતો મૂકી રહી છે

. પત્ની દ્વારા છૂટાછેડા માટે 20 લાખ રૂૂપિયા રોકડા અને પાંચ તોલા સોનાની માંગણી કરવામાં આવી રહી છે, જે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા હર્ષદભાઈ માટે અશક્ય હતી.
પત્ની અને સાસરી પક્ષ તરફથી સતત આપવામાં આવતા માનસિક ત્રાસ અને ધમકીઓથી હર્ષદભાઈ અત્યંત વ્યથિત હતા. એક તરફ પત્નીનો અન્ય પુરુષ સાથેનો સંબંધ અને બીજી તરફ ભરણપોષણ કે છૂટાછેડાના નામે માંગવામાં આવતી મોટી રકમને કારણે તેઓ માનસિક દબાણમાં આવી ગયા હતા. આખરે આ ત્રાસ સહન ન થતા તેમણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું. હાલમાં સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા આ અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *