કોંગ્રેસ, આપ અને ભાજપના બાગીઓ સહિત 33 ઉમેદવારોની પીછેહઠ: ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા પ્રચાર વેગવંતો
મોરબી જીલલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષ અને અપક્ષમાંથી જે આગેવાનોએ ઉમેદવારી કરી હતી તેમાંથી ફોર્મ પાછા ખેંચવાના દિવસે મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડમાંથી 4 અને જિલ્લા પંચાયતની જુદીજુદી બેઠક ઉપરથી 7 ઉમેદવારી પત્ર પાછા ખેચી લેવામાં આવેલ છે જેથી કરીને મોરબી મહાનગરપાલિકાની 52 બેઠક ઉપર 177 ઉમેદવાર અને જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 74 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે.
મોરબી મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડમાંથી ઘણા આગેવાનોએ અપક્ષમાં ઉમેદવારી કરી હતી જેમાંથી વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસનાં ઉમેદવાર ધનીબેન રામજીભાઇ પરમાર, વોર્ડ નંબર 6 માંથી અપક્ષ ઉમેદવારી કરનારા પાલિકાના માજી પ્રમુખ અનોપસિંહ જાડેજાએ તેનું ફોર્મ પાછું ખેંચી લીધેલ છે જો કે, હજુ તેઓના પત્ની સિતાબા અનોપસિંહ જાડેજાએ પણ અપક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે અને તેઓ ચૂંટણીના મેદનમાં છે અત્રે ઉલેખનીય છે કે, અનોપસિંહ જાડેજાના પત્નીનું અપક્ષમાંથી ઉમેદવારી માટેનું ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યારે મોરબી તાલુકા સેવા સદન ખાતે રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે રકજક થઈ હતી જેના વિડીયો પણ વાયરલ થયા હતા. આ ઉપરાંત મોરબીના વોર્ડ 10 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપમાંથી નારાજ થઈને હર્ષદભાઈ કંઝારીયાએ ફોર્મ ભર્યું હતું જેઓ આજે તેની અપક્ષ ઉમેદવાર તરીકેનું ફોર્મ પાછું ખેચાયું છે. જ્યારે વોર્ડ નંબર 13 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે દીપેશ તુલસીભાઇ સોનગ્રાએ ફોર્મ ભર્યું હતુ જે તેને પાછું ખેંચી લીધેલ છે.
મોરબી જિલ્લા પંચાયતની ખાનપર બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર દીપકભાઈ રગિયાએ ફોર્મ પાછું ખેંચી લીધેલ છે. આ ઉપરાંત ખાખરેચી, મહીકા અને તીથવા બેઠક ઉપરથી એક-એક અને ચંદ્રપુર બેઠક ઉપરથી બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધેલ છે. તેમજ મોરબી જિલ્લા પંચાયતની આમરણ બેઠક ઉપરથી આપના ઉમેદવાર તરીકે હસીનાબેન કાસમભાઈ સુમરાએ ફોર્મ ભર્યું હતું જો કે, ફોર્મ પાછા ખેંચવાના દિવસે આપના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેચી લીધેલ છે અને તેઓએ સતાવર રીતે કોંગેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે.
જયારે ટંકારા તાલુકા પંચાયતની બંગાવડી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર ચેતનાબેન કટારિયા ફોર્મ ભર્યું હતું જો કે, ફોર્મ પાછા ખેચવાના દિવસે તેઓએ પોતાનું કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું ફોર્મ પાછું ખેંચી લીધેલ છે અને તેઓએ ભાજપ અને ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું છે. ટંકારા તાલુકા પંચાયતની નાના ખીજડીયા બેઠક પર ધ્રુવનગરના રાજવી ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ અપક્ષ ઉમેદવારી કરી હતી જો કે, ફોર્મ પાછા ખેંચવાના દિવસે ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધેલ છે અને તેઓ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે. ઉલેખનીય છેકે, મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં કુલ મળીને 17 ઉમેદવારોએ તેના ફોર્મ પાછા ખેચી લીધેલ છે. જયારે ત્રણ નગરપાલિકામાં વાંકનેરમાંથી 5 ઉમેદવારોએ તેના ફોર્મ પાછા ખેચી લીધેલ છે.
વાંકાનેરમાં કોંગ્રેસના ચાર ઉમેદવારો બિનહરીફ
મોરબી જીલ્લામાં જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા ઉપરાંત ત્રણ નગરપાલિકા ચુંટણી યોજાનાર છે જેમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વાંકાનેર નગરપાલિકામાં પાંચ ફોર્મ પરત ખેંચાયા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે વાંકાનેર પાલિકામાં વોર્ડ 04 માં કોંગ્રેસની પેનલ બિનહરીફ થઇ છે વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે હવે 56 ઉમેદવારો મેદાને છે માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠક માટે 75 ઉમેદવાર અને ટંકારાના 6 વોર્ડની 24 બેઠક માટે 60 ઉમેદવારો મેદાને જોવા મળી રહ્યા છે વાંકાનેર પાલિકામાં આજે 5 ફોર્મ પરત ખેંચાયા છે અને વોર્ડ નં 04 માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો બિનહરીફ થયા છે.
પાંચ તાલુકા પંચાયતમાં 287 ઉમેદવારો રહ્યા
મોરબી જીલ્લામાં આવતી મોરબી, માળિયા (મી.) ટંકારા. હળવદ અને વાંકાનેર એમ પાંચ તાલુકા પંચાયતમાં આજે કુલ 17 ફોર્મ પરત ખેંચાયા છે અને હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જાંબુડિયા બેઠકમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે મોરબી જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આજે કુલ 17 ફોર્મ પરત ખેંચાઈ ગયા છે હવે મોરબી તાલુકા પંચાયતની 22 બેઠક માટે 57 ઉમેદવાર, હળવદ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 61 ઉમેદવારો, માળિયાની 16 બેઠકો માટે 46 ઉમેદવારો, ટંકારાની 16 બેઠક માટે 47 અને વાંકાનેરની 24 બેઠક માટે 76 સહીત કુલ 287 ઉમેદવારો મેદાનમાં છે તો જાંબુડિયા બેઠક પરથી ભાજપના સંદીપભા ભૂપતભા ગુઢડા બિનહરીફ વિજેતા થાય છે.
