રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચબુતરા ચોક, કૃષ્ણનગર, મચ્છી બજાર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ મળીને અંદાજીત 1500 કિલોગ્રામ જેટલો અખાદ્ય પડતર ચિકનનો જથ્થો, જેની અંદાજીત કિંમત રૂૂપિયા 3,00,000 (ત્રણ લાખ) થાય છે, તેનો નાશ કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં બે પેઢીઓ પર સઘન તપાસ કરવામાં આવી હતી. રાજકોટના મચ્છી બજાર, કૃષ્ણનગર, ચબુતરા ચોક ખાતે આવેલી પહેલી પેઢી ’એસ. મીરા ચિકન’ માંથી 1100 કિલોગ્રામ અખાદ્ય ચિકન પાવડરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આજ વિસ્તારમાં આવેલી બીજી પેઢી ’અલીફ ચિકન’ ખાતેથી પણ 400 કિલોગ્રામ અખાદ્ય ચિકન પાવડરનો જથ્થો પકડી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને પેઢીઓમાં તપાસ દરમિયાન અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવેલા ચિકનના જથ્થા પર ઉત્પાદન અંગેનું કે અન્ય કોઈ જ પ્રકારનું લેબલિંગ કરેલું જોવા મળ્યું ન હતું. આ ઉપરાંત, આ જથ્થો તદ્દન અનહાઇજેનિક કન્ડિશનમાં (અસ્વચ્છ સ્થિતિમાં) સ્ટોરેજ કરવામાં આવ્યો હતો. વધુમાં, ચિકનના સ્લોટરિંગ અંગેનું કોઈપણ પ્રકારનું રજીસ્ટર પણ સંચાલકો દ્વારા નિભાવવામાં આવતું ન હોવાનું ખુલ્યું હતું.
