ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્રારા લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ 8 નવેમ્બર 2023 ના જાહેર થઈ ગયું હતું. પરંતુ સરકારે એક વર્ષ પછી આ પરીક્ષા પાસ થયેલા સૌરાષ્ટ્ર્રના ત્રણ સહિત 15 ઉમેદવારોને ગુજરાત વહીવટી સેવા વર્ગ એકમાં નિમણૂક આપવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા ઉમેદવારોને તેમના પોસ્ટલ એડ્રેસ પર આ સંદર્ભે પત્રો મોકલવામાં આવ્યા છે અને તેમાં 10 દિવસમાં ગાંધીનગર ખાતે સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાં હાજર થવા માટે જણાવ્યું છે.
સરકારી, અર્ધ સરકારી કચેરીઓ અને બેંકમાં નોકરી કરતા હોય તેવા ઉમેદવારોએ પોતાની આ નોકરીમાંથી રાજીનામું આપીને ફરજ મુકત થવાનું રહેશે.
ત્યારે ગાંધીનગર ખાતે હાજર થાય ત્યારે આ પ્રક્રિયા માટે જો તેને વધુ મુદતની જર જણાવશે તો સરકાર દ્રારા તે માટે આપવામાં આવશે. હાજર થનાર ઉમેદવારે શારીરિક યોગ્યતા પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. આ ઉપરાંત પોલીસ રેકોર્ડ પણ રજૂ કરવાનો રહેશે.
જે 15 ઉમેદવારો પસદં થયા છે અને તેમાં સૌરાષ્ટ્ર્રના જે ત્રણ ઉમેદવારો છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાના બામણવા ગામના કલ્પેશ બલદેવભાઈ બલિયા, જૂનાગઢના પ્રશાંત ગંભીરદાન ગોરાવીવાલા અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના સુપાસી ગામે રહેતા યોગેશ નંદલાલભાઈ બારડનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારમાં કલાસ વન ઓફિસરોની અનેક મહત્વની જગ્યાઓ ખાલી પડી છે. તે ભરવા માટે પ્રમોશન સહિતના ઓર્ડર કરાયા પછી પણ હજુ ઘણી જગ્યા ખાલી છે. તે ભરવા માટે સરકારે આખરે જીપીએસસીના રિઝલ્ટમાંથી 15 ઉમેદવારોની પસંદગી કરી છે. આ તમામ ઉમેદવારોને વર્ગ એક જુનિયર સ્કેલ મુજબ પગાર આપવામાં આવશે.