ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો બીજો તબક્કો શરુ : સૌરાષ્ટ્ર વિસ્તારની પાલિકાઓ અને પંચાયતોના હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા શરુ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ તો જાહેર થઈ ગયું છે ત્યારે હવે હોદ્દેદારોને પસંદ કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા હાલ નામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ હાલ ગઈકાલથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ફરી મળી હતી અને આજે રાજકોટ મહાનગર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે હોદ્દેદારોના નામોને અંતિમ મોહર લગાવવામાં આવશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક નામો ચર્ચા હતા અને ખાસ લોબિંગ પણ શરૂૂ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા હાલ જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજવામાં આવી છે તેમાં પણ અનેકવિધ નામો પર ચર્ચા કરવામાં આવી રહી છે સાથોસાથ વિવિધ ટોચના આગેવાનો દ્વારા હોદ્દેદારોના નામોનું લોબિંગ પણ શરૂૂ કરાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં હોદ્દેદારોના નામોને લઈને મોટાભાગની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. હવે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે અંતિમ મથામણ શરૂૂ થઈ રહી છે. આગામી 19 મે આસપાસ રાજ્યની 15 મહાનગર પાલિકાઓમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે ભાજપ હાઈકમાન્ડ દ્વારા યુવા નેતૃત્વને આગળ લાવવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે. જેના કારણે અનેક શહેરોમાં વરિષ્ઠ ચહેરાઓની જગ્યાએ નવા અને યુવા નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી મળવાની સંભાવના છે.
રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના મહાનગર પાલિકા વિસ્તારોમાં સંભવિત નામોને લઈને સંગઠનના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાનારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો બીજો તબક્કો અંદાજે બે દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. આ બેઠક દરમિયાન સંગઠનાત્મક સંતુલન, જાતિ સમીકરણ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ તેમજ વરિષ્ઠ અને નવોદિત નેતાઓ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે મુદ્દાઓને ખાસ મહત્વ આપવામાં આવશે. સાથે જ કાર્યક્ષમતા અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને પ્રાથમિકતા આપવા પર પણ ભાર મૂકાઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં નવા મેયર સહિતના હોદેદારોના નામ માટે પાર્લામેન્ટ્રી બોર્ડમાં પસંદગીની કવાયત ચાલી રહી છે. સેન્સ દરમિયાન અઢળક દાવેદારોએ હોદાની માગણી કરી હતી. તેમાથી મુખ્ય પાંચ હોદા એટલે કે શહેરના પ્રથમ નાગરિક મેયર, મલાઇદાર સ્ટેન્ડીંગ ચેરમેન, મોભાદાર ડેપ્યુટી મેયર, શાસક નેતા અને દંડકની ખુરશી માટે છેલ્લી ઘડી સુધી જબરું લોબીંગ ચાલી રહ્યુ છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જ્ઞાતિ સમિકરણ મુજબ હોદાની વહેચણી થાય એ નિશ્ચિત છે. એ દરમિયાન મુખ્ય પાંચ હોદા માટે પેનલવાઇઝ નામ વાયરલ થવા લાગ્યા છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે નવા સુકાનીઓ નિયુક્ત કરવાની પ્રક્રિયા આજથી ફરી શરૂૂૂ થઈ છે. 15 મહાપાલિકાઓ- 33 જીલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં કોને જવાબદારી સોંપવી તેની કવાયત ચાલી રહી છે. અગાઉ ગત સપ્તાહે એક દિવસ ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ-વડોદરાના કાર્યક્રમથી પુર્વ તૈયારીના કારણે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ વ્યસ્ત થતા બેઠક મુલત્વી રખાઈ હતી જે આજે ફરી શરૂૂૂ થઈ છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર-ડે.મેયર સહિતના પાંચ પદાધિકારીઓ માટે નામની પસંદગી લગભગ આજ રાત સુધીમાં ફાઇનલ થઇ જશે. જો કે સસ્પેન્સ પરનો પડદો જનરલ બોર્ડમાં કવરમાંથી જ ખુલશે. જનરલ બોર્ડ તા.18 મે બાદ મળશે તેવા સંકેત છે.બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ-વડોદરા પ્રવાસમાંથી હવે પક્ષના નેતાઓ ફ્રી થતા ફરી લોબીંગ ફરી તેજ થયુ છે.
મળતી માહિતી અનુસાર ભાજપના ટોચના આગેવાનો દ્વારા ચહીતા ચહેરાઓને હોદો મળે તે માટે હાઈ કમાન્ડમાં જબરૂૂ લોબિંગ શરૂૂ કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ હાલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ જ હોદ્દેદારોની વર્ણી થશે તો બીજી તરફ પ્રદેશ ભાજપ માટે રાજકોટ મહાનગરના હોદ્દેદારોની વરણી અત્યંત મહત્વની પુરવાર થશે કારણ કે બેઠક વહેંચણીમાં ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા હતા અને અનેક સમાજ નારાજ થયો હતો. જે વાતની ગંભીતાને ધ્યાને લઈ રોસ્ટર ની સાથો સાથ સમાજોના હિતોનું ધ્યાન રાખી નિર્ણય લેવામાં આવે તેવું હાલ ચિત્ર ઉભું થયું છે.
રાજકોટ મહાનગરના હોદ્દેદારોના નામોની આજ સવારે ચર્ચા
આજે સવારે 11 કલાકથી મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્રવકર્માના અધ્યક્ષસ્થાને ભાજપની ચૂંટણી સમિતિની બેઠક શરૂ થઇ ચુકી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપરાંત પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નિયત કરાયેલા ક્રમ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના અલગ-અલગ જિલ્લા અને મહાનગરોના સંગઠનના હોદ્દેદારોને બોલાવી પેનલો લેવામાં આવી રહી છે. આજે સવારે 10:30 કલાકે રાજકોટ મહાનગર અને ત્યારબાદ રાજકોટ જિલ્લાનો વારો લેવામાં આવશે.
