22 જેટલા સર્કલ અને આઈલેન્ડનું પણ ગ્રીનરી સાથે નિર્માણ : પાંચ પ્લોટમાં પણ ફૂલઝાડના રોપા અને ઓક્સિજન પાર્કના પણ ત્રણ સ્થળે નિર્માણ કરાયા
જામનગર શહેરને હરિયાળું બનાવી રાખવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 15 જેટલા ગાર્ડન બનાવાયા છે, અને તેમાં જુદા જુદા ફૂલ ઝાડના રોપા વગેરે વાવીને ગ્રીનરી ઊભી કરવામાં આવી છે, સાથોસાથ બાળકો માટેના રમતગમત અને અંગ કસરતના સાધનો પણ મુકાયા છે, જ્યારે વડીલો માટેની બેઠક વ્યવસ્થા સાથેની સુવિધાઓ પણ ગાર્ડનમાં ઊભી કરવામાં આવી છે.
શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારમાં વનસ્પતિ અને ઔષધી સાથેના ’ઔષધીવન’ તેમજ ઓક્સિજન પૂરું પાડવા પાડી શકાય તેવા ઝાડ નું વાવેતર કરીને બે ’ઓક્સિજન પાર્ક’ પણ બનાવાયા છે, ઉપરાંત શહેરના અલગ અલગ 22 જેટલા સર્કલ અને આઇલેન્ડને પણ ડેવલપ કરીને તેમાં પણ ગ્રીનરી વાવી શહેરમાં શુશોભન કરાયું છે, જયારે અલગ અલગ વિસ્તારમાં પાંચ પ્લોટ માં પણ ફૂલ ઝાડ વગેરે નું વાવેતર કરીને ગ્રીન આઇલેન્ડ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત ગાર્ડન શાખાના 48 કર્મચારીઓની ટીમ સમગ્ર ગાર્ડન તેમજ આઇલેન્ડ વગેરે ની વ્યવસ્થા સંભાળી રહી છે. જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ક્રમશ: એક પછી એક ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે, અને હાલમાં શહેરમાં અલગ અલગ કુલ પંદર ગાર્ડન કાર્યરત છે. જેમાં સંગમ બાગ, નેવિલ પાર્ક, નંદ ધામ પાર્ક, રાજપાર્ક ગાર્ડન, હાપા ગાર્ડન, લાલવાડી ગાર્ડન, સ્વામી વિવેકાનંદ ગાર્ડન, વિરલ બાગ, દાદા દાદી ગાર્ડન, જોગર્સ પાર્ક, આનંદ બાગ, આઝાદ બાગ, રાણી જગદંબા બાગ, કમલા નહેરૂૂ પાર્ક, અને ડો. આંબેડકર બાગ વગેરેનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત તમામ ગાર્ડનમાં જુદી જુદી વનસ્પતિ, ફૂલ ઝાડ ના રોપા વગેરેનું વાવેતર કરાયું છે, અને તેમાં દૈનિક પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાની ગાર્ડન શાખામાં કુલ 48 કર્મચારીઓ, જે તમામ દ્વારા શહેરના પ્રત્યેક ગાર્ડન નું સંચાલન કરવામાં આવી રહ્યું છે, અને સવારથી મોડી સાંજ સુધી તમામ પાર્ક ખુલ્લા રહે છે.
મુખ્યત્વે ગાર્ડનમાં નાના બાળકો માટેના હિંચકા, લપસીયા, ઊંચક-નીચક સહિતના સાધનો, સાથો સાથ અંગ કસરતના સાધનો પણ વસાવાયેલા છે, અને નાના બાળકો સહિતના લોકો અલગ અલગ વિસ્તારમાં તેનો પ્રતિદિન લાભ લેતા હોય છે. જેની સાથે ગાર્ડનમાં બેસી શકાય તે માટે ખાસ કરીને વડીલો માટેની બાંકડાઓ સહિતની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. જ્યારે ગાર્ડનમાં પિવાના પાણી સહિતની વ્યવસ્થા પણ રખાયેલી છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં અલગ અલગ 22 જેટલા સર્કલ અને આઇલેન્ડ નું નિર્માણ કરાયું છે, જેમાં જકાતનાકા સર્કલ આઇલેન્ડ, ટ્રાઈએંગલ આઇલેન્ડ, ગુલાબ નગર આઈલેન્ડ, મહાપ્રભુજી બેઠક આઇલેન્ડ, દરબારગઢ સર્કલ, સમર્પણ સર્કલ, દિગજામ સર્કલ, લાલ બંગલા સર્કલ, ખોડીયાર કોલોની આઇલેન્ડ, હાથ જોડ સર્કલ, લોટસ સર્કલ, ચાંદી બજાર સર્કલ, પાયલોટ બંગલો આઇલેન્ડ, ઓસવાળ સર્કલ, ઝુલેલાલ સર્કલ, રક્ષા શક્તિ આઇલેન્ડ, મોતી ફાઉન્ટેન આઇલેન્ડ, મહારાણા પ્રતાપ સર્કલ, વિનું માંકડ આઈલેન્ડ, શહીદ ભગતસિંઘ આઇલેન્ડ, નરસિંહ મહેતા સ્ટેપ આઇલેન્ડ અને વિવેકાનંદ સર્કલ નો સમાવેશ થાય છે. જે પૈકી પાંચથી વધુ સ્થળે રંગીન આકર્ષક ફુવારાઓ પણ મૂકવામાં આવ્યા છે.
ગરમ પાણી સહિતના બે સ્વિમિંગ પૂલ કાર્યરત
જામનગર શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલ આવેલું છે, જેમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ તેમજ સ્વિમિંગ પૂલ આવેલો છે અને તેમાં નગરજનો માટે અલગ અલગ સમય ફાળવીને સ્વિમિંગ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તેના ટ્રેનરો પણ મુકવામાં આવ્યા છે. બહેનો અને બાળકો માટેના અલગ સમય નિર્ધારીત કરાયા છે, જ્યારે ભાઈઓ માટેની પણ અલગ સમયની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શિયાળાના સમય બાદ કરતાં આઠ મહિના સુધી આ સ્વિમિંગ પૂલ ચાલુ રહે છે. આ ઉપરાંત જામનગરના અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ માં રાજ્યના રમત ગમત વિભાગ દ્વારા ગરમ પાણીનો સ્વિમિંગ પૂલ બનાવાયો છે, જેનો પણ નગરજનો બહોળી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે, જેનું રાજ્ય સરકાર ના રમત ગમત વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.
