સ્ટેન્ડિંગમાં 10 કરોડની 14 દરખાસ્ત મંજૂર, જીમ સંચાલન સહિત બે નામંજૂર

પૂર્વ ચેરમેનના લાડલા ઇન્ચાર્જ સેક્રેટરી જેસડિયાને મૂળ શાખામાં પરત મોકલાયા, મોલિયાને હવાલો રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.…

પૂર્વ ચેરમેનના લાડલા ઇન્ચાર્જ સેક્રેટરી જેસડિયાને મૂળ શાખામાં પરત મોકલાયા, મોલિયાને હવાલો

રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને લગતી કુલ 24 જેટલી વિવિધ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. સમગ્ર બેઠકના અંતે કમિટી દ્વારા બે દરખાસ્તોને આકરા વલણ સાથે નામંજૂર કરવામાં આવી છે, જ્યારે 8 જેટલી દરખાસ્તોમાં વિગતોનો અભાવ હોવાથી તેને પુન: સમીક્ષા માટે પરત મોકલવામાં આવી છે. બાકીની દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે, આજની બેઠકમાં રજૂ થયેલા રૂૂ. 30 કરોડના કુલ વિકાસ કામોમાંથી માત્ર રૂૂ. 10 કરોડના જ કામોને લીલી ઝંડી મળી છે, જ્યારે રૂૂ. 20 કરોડના કામો અટકી પડ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બે દરખાસ્તોને સંપૂર્ણપણે નામંજૂર કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ દરખાસ્ત પેડક રોડ અને કાલાવડ રોડ પર આવેલા રાજકોટ મહાનગરપાલિકાના જિમના સંચાલન અને વહીવટ અંગેની હતી. આ વહીવટી પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓને ધ્યાને રાખી કમિટીએ આ દરખાસ્ત નાહંજૂર કરી છે.

આ ઉપરાંત, રાજકોટના હૃદયસમા રેસકોર્સ વિસ્તારની અંદર સફાઈ કામગીરી તેમજ હાઉસકીપિંગ માટે મૂકવામાં આવેલી દરખાસ્તને પણ કમિટીએ ફગાવી દીધી છે. કમિટીના ચેરમેન દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રેસકોર્સ જેવા મોટા વિસ્તારમાં ખરેખર કેટલા સફાઈકર્મીઓ અને હાઉસકીપિંગ સ્ટાફની જરૂૂરિયાત છે, તેની ચોક્કસ અને સ્પષ્ટ સંખ્યા દર્શાવીને નવેસરથી દરખાસ્ત રજૂ કરવામાં આવે.

આઠ દરખાસ્તો અધૂરી માહિતીને કારણે પરત મોકલવામાં આવી છે. જેમાં સફારી પાર્ક માટે રૂૂ. 8 કરોડ વધુ માગનાર કોન્ટ્રાક્ટરની દરખાસ્તનો પણ સમાવેશ થાય છે. બેઠકમાં રજૂ કરાયેલી કુલ દરખાસ્તો પૈકી 8 જેટલી દરખાસ્તોમાં સંપૂર્ણ માહિતી અને જરૂૂરી દસ્તાવેજોનો અભાવ હોવાથી તેને કમિટી દ્વારા પરત મોકલી દેવામાં આવી છે.

રાજકોટના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સફારી પાર્કને લગતી હતી. સફારી પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોજેક્ટ માટે વધુ રૂૂ. 8 કરોડની વધારાની ગ્રાન્ટ અથવા રકમ માગવામાં આવી હતી. આ દરખાસ્તને પણ કમિટીએ અટકાવીને વિગતવાર અહેવાલ માંગ્યો છે. મળતી માહિતી મુજબ, જ્યારે સફારી પાર્કનો મૂળ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારે 20,000 ચોરસ મીટર વિસ્તારમાં પાર્ક બનાવવાનું નક્કી થયું હતું. પરંતુ, હાલ કોન્ટ્રાક્ટર કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેઓ 31,000 ચોરસ મીટર વિસ્તારમાં કામ કરી રહ્યા છે, જેથી રૂૂ. 8 કરોડનો વધારાનો ખર્ચ થયો છે.બીજી બાજુ, કંપની દ્વારા હાલ સફારી પાર્કની તમામ કામગીરી અચાનક બંધ કરી દેવામાં આવી છે. આ ખેંચતાણને કારણે સફારી પાર્કનું કામ ક્યારે પુન: શરૂૂ થશે તે અંગે ભારે અનિશ્ચિતતા સર્જાઈ છે.

પ્રાથમિક વિગતો મુજબ, આગામી દિવાળીના તહેવાર સુધીમાં પણ સફારી પાર્કનું કામ પૂર્ણ થાય તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી. પરિણામે, આ દિવાળીમાં રાજકોટવાસીઓ સફારી પાર્કની મજા માણી શકશે નહીં.
પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના સૌથી નજીક ગણાતા ઇન્ચાર્જ સેક્રેટરી પદેથી ધવલ જેસડીયાને હટાવવામાં આવ્યા છે. તેઓને મ્યુનિસિપલ કમિશનર તાબા હેઠળની મૂળ શાખામાં પરત મુકવામાં આવ્યા છે. તેમના સ્થાને વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પર્સનલ સેક્રેટરી એચ.જી. મોલીયાને નવા ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નવો પ્રોજેક્ટ રજૂ કરતા પહેલા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી આપવી ફરજિયાત
હવેથી કોઈપણ અધિકારી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કોઈપણ નવો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે, તે પૂર્વે તે પ્રોજેક્ટની સંપૂર્ણ અને ટેકનિકલ વિગતો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર સમક્ષ રજૂ કરવી ફરજિયાત રહેશે. પ્રોજેક્ટમાં કેટલું મટિરિયલ વપરાશે, કેટલી સિમેન્ટ વપરાશે, કઈ કઈ બ્રાન્ડ કે કંપનીનો સામાન વાપરવામાં આવશે આ તમામ વિગતોની આગોતરી જાણ કર્યા બાદ જ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીના ટેબલ પર મૂકી શકાશે.

તિરંગા યાત્રાના રૂ.9 લાખના ખર્ચનો હિસાબ માગ્યો
તાજેતરમાં યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન કરવામાં આવેલા રૂૂ. 9 લાખના ખર્ચની મંજૂરી માટેની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટી સામે આવી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્ત અત્યંત અધૂરી હોવાથી કમિટીએ તેને પરત મોકલી આપી છે.કમિટી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આગામી સમયમાં જ્યારે આ દરખાસ્ત ફરી રજૂ કરવામાં આવે ત્યારે તિરંગા યાત્રા દરમિયાન કઈ કઈ વસ્તુઓ ખરીદવામાં આવી, કઈ કંપનીમાંથી સામગ્રી લેવામાં આવી, કેટલા લોકોને નાસ્તો આપવામાં આવ્યો, નાસ્તાની કેટલી ડિશ વપરાઈ અને કાર્યક્રમમાં કઈ રીતે ખર્ચ થયો આ તમામ બાબતોનો ઝીણવટભર્યો અને ચોક્કસ અહેવાલ રજૂ કરવાનો રહેશે.

શહેરના વિકાસ માટે ‘પ્રબુદ્ધ નાગરિક કમિટી’બનશે

આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રાજકોટના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વનો અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રબુદ્ધ નાગરિકો, તજજ્ઞો તેમજ અધિકારીઓનો સમાવેશ કરતી એક વિશેષ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી રાજકોટ શહેરના ભવિષ્યના મોડેલ અને વિકાસ કાર્યો માટે માર્ગદર્શન આપશે. આ કમિટી અંગેની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *